સુરત પોલીસની સરાહનીય કામગીરી! 15 દિવસમાં 41 લાખનો મુદ્દામાલ મૂળ માલિકને પરત કર્યો
સુરત શહેરના સિટીલાઈટ ઈન્દ્રપ્રસ્થ એપા.માં રહેતા અને વરાછા સોમનાથ ભવનમાં શ્રી બાગેશ્વર ક્રિએશન નામથી સાડીઓનું મોટા પાયે જોબવર્ક રાકેશ નંદકુમાર ગુપ્તા કરે છે. જેમની પાસેથી કામરેજ શિવ વાટિકામાં રહેતા મિતેશ ચૌહાણ અને તેનો ભાઈ રાકેશ ચૌહાણ 45 લાખની 12,499 નંગ સાડી જોબવર્ક માટે લીધી હતી.
Trending Photos
ઝી બ્યુરો/સુરત: સુરતમાં 45 લાખની સાડી જોબવર્ક માટે લઈ ગયા બાદ તે બારોબાર વેચી ફરાર થઈ ગયેલા કામરેજના મિતેશ ચૌહાણ અને તેની પાસેથી માલ લેનાર વેપારીને ભાવનગરના ગુંદરણા ગામેથી વરાછા પોલીસના મથકના કોન્સ્ટેબલે એકલા હાથે ઝડપી લીધા હતા. તેની સાથે 38.50 લાખની કિંમતની 10,851 નંગ સાડી અને રોકડા 3 લાખ રૂપિયા કબજે કાર્ય હતા. જે માલિકને માત્ર 15 દિવસમાં પરત અપાવવામાં વરાછા પોલીસે મદદ કરી કરી હતી. ટુંકાગાળામાં મુદ્દામાલ પરત મેળવતા માલિકે પણ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.
સુરત શહેરના સિટીલાઈટ ઈન્દ્રપ્રસ્થ એપા.માં રહેતા અને વરાછા સોમનાથ ભવનમાં શ્રી બાગેશ્વર ક્રિએશન નામથી સાડીઓનું મોટા પાયે જોબવર્ક રાકેશ નંદકુમાર ગુપ્તા કરે છે. જેમની પાસેથી કામરેજ શિવ વાટિકામાં રહેતા મિતેશ ચૌહાણ અને તેનો ભાઈ રાકેશ ચૌહાણ 45 લાખની 12,499 નંગ સાડી જોબવર્ક માટે લીધી હતી. વરાછા લંબે હનુમાન રોડ ઉપર નીલગગન એપાર્ટમેન્ટમાં તેમના ગોડાઉન પર લઈ જવાનું કહી બારોબાર આ સાડીઓ વેચી દઈ રફુચક્કર થઈ ગયા હતા.
વરાછા પોલીસ મથકના સબ ઇન્સ્પેક્ટર એ.જી.ચૌહાણ અને ટીમે કામરેજથી બે પૈકી એક ભાઇ રાકેશ ચૌહાણને દબોચી લીધો હતો. નાનો ભાઈ મિતેશ વતન ભાવનગરના તળાજાના શોભાવડ ગામે ભાગી છૂટયો હતો. તેની સાથે સાડીઓ સગેવગે કરનાર રિંગ રોડ વી.ટી.એમ. માર્કેટમાં વૈભવ લક્ષ્મીના નામે કાપડની પેઢી ધરાવતો વિક્રમ ઉર્ફે વીકી કાંતિલાલ પરમાર પણ હોવાનું જણાવ્યું હતું. આ બંનેનું લોકેશન પણ ભાવનગરના મહુવા તાલુકાના ગુંદરણામાં બતાવતું હતું. બંને આરોપી ભાગી જાય તેમ હતા તે સંજોગોમાં વરાછા પોલીસ મથકનો કોન્સ્ટેબલ અને ભાવનગરના બગદાણાનો વતની વાસુ કાળુ રજા ઉપર વતન ગયો હોય અધિકારીઓએ તેને ત્યાં વોચ માટે જવા કહ્યું હતું.
આ કોન્સ્ટેબલના ગામથી ગુંદરણા પાંચથી સાત કિ.મી જ દૂર હોય તે સીધો અહીં પહોંચી ગયો હતો. કલાકો સુધી આ બંને ઉપર વોચ રાખ્યા બાદ મોકો મળતા બંનેને એકલા હાથે દબોચી લીધા હતા. પોલીસે વિક્રમે પોતાની દુકાનની ઉપર ખુલ્લામાં મૂકેલો માલ તથા ભાઠેના, કામરેજ, અનુપમ માર્કેટમાં વેપારીઓને વેચેલો તથા પુણાગામ બાપા સીતારામ સોસા., માં જોબવર્ક માટે આપેલી સાડીઓ સહિત 38.50 લાખની કિંમતની 10,851 નંગ સાડીઓ કબજે કરી હતી. આ સાથે રોકડા ત્રણ લાખ પા કબજે કર્યા હતા.
વરાછા પોલીસ દ્વારા આ મામલે ત્રણેય ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 41.50 લાખની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો જે સાડીઓનો મુદ્દામાલ ચોમાસાની સીઝનમાં પડી રહેવાથી ખરાબ ન થાય અને માલિક રાકેશને આર્થીક સંકળામણનો સામનો કરવો ન પડે તે માટે રાકેશ સાથે સંકલનમાં રહી યોગ્ય માર્ગદર્શન આપી ટુંકાગાળામાં મુદ્દામાલ છોડાવવા અંગેનો કોર્ટમાં અરજીઓ કરાવી હતી. જેથી કોર્ટ સાથે પણ સંકલનમાં રહી કોર્ટમાંથી ઓર્ડર મેળવી ફકત પંદર દિવસમાં ફરીયાદીને તેઓનો સાડીઓનો મુદ્દામાલ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પરત કર્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે