ડુંગરની રાણી, આખો ગિરનાર પર્વત ખૂંદી વળવામાં આ ગુજરાતણને કોઈ પહોંચી ન વળે
Trending Photos
હિમાંશુ ભટ્ટ/મોરબી :મંજિલે ઉન હી કો મિલતી હૈ.. જીનકે સપનો મેં જાન હોતી હૈ.... આ પંક્તિને સાચા અર્થમાં એક મહિલાએ સાકાર કરી છે. મોરબીના નાના એવા ચાંચાપરમાં જન્મેલા અને મહિલા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ભૂમિકા ભૂતે સાર્થક કરી બતાવી છે. ગિરનારમાં યોજાતી આરોહણ અવરોહણ સ્પર્ધામાં છેલ્લા 4 વર્ષથી વિજેતા બની રહ્યાં છે. ત્યારે પ્રથમ નંબર લઈ ગોલ્ડ મેડલ મેળવી જિલ્લાનું તેમજ મોરબી પોલીસ પરિવારનું ગૌરવ વધાર્યું છે. ભુમિકા ભૂતે આ સ્પર્ધામાં અત્યાર સુધીમાં 22 ગોલ્ડ મેડલ, 2 સિલ્વર મેડલ અને 1 બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે.
ભૂમિકાબેન ગિરનાર આરોહણ-અવરોહણ રાજ્ય કક્ષાની અને નેશનલ લેવલની સ્પર્ધામાં છેલ્લા ચાર વર્ષથી સતત વિજેતા બની રહ્યાં છે. એટલું જ નહિ, ભૂમિકાએ ડીજી કપ અને ખેલ મહાકુંભમાં પણ દોડની સ્પર્ધામાં સતત વિજેતા બનીને અનેક ગોલ્ડ મેડલ મેળવ્યાં છે.
36 મી ગુજરાત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા તાજેતરમાં યોજાઇ હતી. જેમાં મોરબી જિલ્લા પોલીસમાં ફરજ બજાવતા મહિલા લોકરક્ષક ભૂમિકા ભુતે ગિરનાર ચઢવાની સ્પર્ધામાં સિનિયર બહેનોના વિભાગમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. તેની મોરબી જિલ્લાના એસપી એસ.આર.ઓડેદરાએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, ભુમિકા ભૂત વર્ષ 2017 માં પોલીસમાં ભરતી થયા હતા અને હાલ મોરબી પોલીસ હેડ કવાર્ટર ખાતે ફરજ બજાવે છે. વર્ષ 2018 થી અત્યાર સુધી કુલ 25 જેટલી એથ્લેટીકસ ઇવેન્ટની અલગ અલગ કક્ષાઓની સ્પર્ધાઓમાં ભાગ લઇ તમામ ઇવેન્ટ્સમાં ઉત્તમ પ્રદર્શન કર્યું છે અને મોરબી જિલ્લા પોલીસ પરિવારનું ગૌરવ વધારેલ છે.
ભુમિકાબેને અત્યાર સુધીમાં રર ગોલ્ડ મેડલ, ૨ સીલ્વર મેડલ અને ૧ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા છે. ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા દર વર્ષે યોજાતી ગુજરાત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાનું તાજેતરમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભુમિકાબેન દ્વારા સિનિયર બહેનોના વિભાગમાં 41.28 મિનિટમાં ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા પૂરી કરવામાં આવી હતી અને તેઓએ ગોલ્ડ મેડલ મેળવ્યો છે.
ઉલેખનીય છે કે, 2019-20 માં યોજાયેલ ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા 38.21 મિનિટમાં રેકોર્ડ સાથે તેમણે પૂરી કરી હતી. જુનાગઢ ખાતે યોજાતી રાષ્ટ્રીય-રાજ્ય કક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં છેલ્લા ચાર વર્ષથી પ્રથમ નંબર લઈ ગોલ્ડ મેડલ મેળવી મોરબી જિલ્લાનું તેમજ મોરબી પોલીસ પરિવારનું ગૌરવ વધારે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે