યુક્રેનથી વતન વાપસી, ગાડીમાંથી ઉતરીને વિદ્યાર્થીઓ માતાપિતાને ભેટી રડી પડ્યા
operation ganga : સુરત, અમદાવાદ, વડોદરામાં પહોંચેલા વિદ્યાર્થીઓનુ ભવ્ય સ્વાગત કરાયુ હતું. સાથે જ તેમના પહોંચતા જ લાગણીસભર દ્રશ્યો સર્જાયા
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :યુક્રેનથી 45 કરતા વધુ વિદ્યાર્થી ગુજરાત પહોંચ્યા છે. અમદાવાદ સહિતના રાજ્યના વિદ્યાર્થીઓ પરત પહોંચ્યા છે. ત્યારે સુરત, વડોદરા, અમદાવાદના વિદ્યાર્થીઓ પરત ફરતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. વિદ્યાર્થીઓ ગાડીમાંથી ઉતરતા જ લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. વાલીઓ પોતાના સંતાનોને મળતા જ ભાવુક થયા હતા. ઓપરેશન ગંગા હેઠળ વિદ્યાર્થીઓને ભારત પરત લવાયા છે. ખાસ શરૂ કરાયેલી રેસ્ક્યૂ ફ્લાઈટમાં વિદ્યાર્થીઓ આવી પહોંચ્યા છે. સુરત, અમદાવાદ, વડોદરામાં પહોંચેલા વિદ્યાર્થીઓનુ ભવ્ય સ્વાગત કરાયુ હતું. સાથે જ તેમના પહોંચતા જ લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.
મૂળ ભરૂચની અને હાલમાં આણંદમાં રહેતી યુવતી બસ દ્વારા આણંદ પાસે એક્સપ્રેસ હાઇવે પર આવી પહોંચી હતી. પરિવારજનોએ હર્ષનાં આસું સાથે દીકરીને વધાવી લેતા ભાવસભર દ્રશ્યો સર્જાયા હતા. મૂળ ભરૂચના અને હાલમાં આણંદ શહેરમાં રહેતા દીપેશ શાહની દીકરી આંગી છેલ્લા ત્રણ વર્ષથી યુક્રેનમાં અભ્યાસ કરી રહી છે. હાલમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ફાટી નીકળતા આંગીના પરિવારજનોમાં ચિંતા પ્રસરી ગઈ હતી. જેને લઈને દીકરીને સહી સલામત ભારત પરત લાવવા પરિવારે કેન્દ્ર સરકાર પાસે ગુહાર લગાવી હતી. આજે આંગી સહી સલામત પરત આવતા આંગીના પરિવારજનોએ આંગીને ભેટી પડી હતી. હર્ષનાં આસું વરસાવ્યા હતા. ત્યારે ભાવસભર દ્રશ્યો સર્જાયા હતા. આંગીએ કહ્યું કે, તેની યુનિવર્સિટી રોમાનીયા બોર્ડરથી માંડ 20 કિલોમીટર દૂર આવેલી છે, જેથી ત્યાં યુદ્ધ જેવી કોઈ સ્થિતિ ન હતી. યુદ્ધ ત્યાંથી 600 કિલોમીટર દૂર થયું હતું. તેમ છતાં મને સતત ચિંતા થતી હતી.
આ પણ વાંચો : યુક્રેનથી મદદની અપીલ, ગુજરાતી વિદ્યાર્થીએ કહ્યું-માઈનસ 15 ડિગ્રીમાં 30 કિમી ચાલ્યા, હાલત કફોડી બની
ભારતીય એમ્બેસી દ્વારા તેઓને વાહનો દ્વારા રોમાનિયા બોર્ડર પસાર કરાવી ફ્લાઇટ દ્વારા સહી સલામત રીતે પરત લાવવામાં આવ્યા છે. વિદ્યાર્થીની દ્વારા આભારની લાગણી વ્યક્ત કરી હતી અને અન્ય વિદ્યાર્થીઓ પણ ઝડપથી સહી સલામત રીતે ભારત પરત આવશે તેવી આશા વ્યક્ત કરી હતી
વડોદરાના વિદ્યાર્થીઓ યુક્રેનથી ગુજરાત પહોંચ્યા
યુક્રેનથી આવેલ વિદ્યાર્થીઓ માટે ખાસ બસની વ્યવસ્થા કરાઈ હતી. બસમાં 38 વિદ્યાર્થીઓને ગુજરાતમા પોતાના વતન લાવવામાં આવ્યા હતા. જેમાં વડોદરા શહેર જિલ્લાના 21 વિદ્યાર્થીઓ વડોદરા ઉતર્યા હતા. ભારત સરકારની વ્યવસ્થા હેઠળ હવાઈ માર્ગે હેમખેમ પરત ફર્યા હતા. જ્યારે ૧૭ અમદાવાદ અને અન્ય સ્થળોના હોવાથી તેમને વોલ્વો બસમાં આગળ તેમને પોતાના ઘરે મોકલવામાં આવ્યા.
વડોદરાના સાંસદ રંજન ભટ્ટે કહ્યુ કે, વડોદરા આવેલ તમામ વિદ્યાર્થીઓનું સ્વાગત કરતા ખુબ આનંદ થયો. પ્રધાનમંત્રી ના સંયુક્ત અનુક્રમે ઓપરેશન ગંગા અનુસાર તમામ વિદ્યાર્થીઓને પોતાના વતન પરત લાવવામાં આવ્યા હતા. બીજા જે ભારતીય વિદ્યાર્થીઓ ત્યાં ફસાયેલા છે તેમને પણ માદરે વતન મોકલવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે