ધમણ મુદ્દે ધમાસાણઃ નીતિન પટેલનો પલટવાર, કહ્યુ- કોંગ્રેસ 'નાદાન' હરકત ન કરે

નીતિન પટેલે કોંગ્રેસ પર ગંભીર આરોપ લગાવતા કહ્યુ કે, કોંગ્રેસના કોર્પોરેટરો અને ધારાસભ્યો છે તે વિસ્તારમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓને સહયોગ આપવામાં આવ્યો નથી. તેનું પરિણામ આજે અમદાવાદ ભોગવી રહ્યુ છે. 

ધમણ મુદ્દે ધમાસાણઃ નીતિન પટેલનો પલટવાર, કહ્યુ- કોંગ્રેસ 'નાદાન' હરકત ન કરે

હિતલ પારેખ/ગાંધીનગરઃ કોરોના વાયરસના કહેર વચ્ચે રાજકોટની કંપની દ્વારા બનાવાયેલ ધમણ વેન્ટીલેટર રાજકીય મુદ્દો બન્યો છે. ધમણ વેન્ટીલેટર પર કોંગ્રેસ દ્વારા રાજ્ય સરકાર પર આક્ષેપો કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ પત્રકાર પરિષદ યોજીને સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. તો હવે આ મુદ્દે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અમિત ચાવડાના આરોપો પર જવાબ આપ્યો છે. મીડિયા સાથે વાત કરતા નાયબ મુખ્યમંત્રીએ કહ્યુ કે, અમિત ચાવડા ફરીથી તે વાતનું રટણ કરી રહ્યા છે. કોંગ્રેસ પ્રમુખ ધમણ 1 પર આરોપ કરી રહ્યા છે. તેઓ ખોટી વાતને સાચી સાબિત કરવાની મથામણ કરી રહી છે. 

નીતિન પટેલે કહ્યુ કે, રાજકોટની કંપનીએ ગુજરાતના નાગરિકો માટે 1000 વેન્ટિલેટર વિના મૂલ્યે ભેટમાં આપ્યા છે. કોંગ્રેસ આક્ષેપ કરે છે કે મુખ્યમંત્રી રાજકોટના હોવાને કારણે ત્યાંથી ખરીદવામાં આવ્યા છે. તેમણે કહ્યુ કે, કંપનીએ પ્રથમ દિવસે જાહેરાત કરી હતી કે ગુજરાત સરકારને આ વેન્ટિલેટર વિનામૂલ્યે આપવામાં આવશે. આ માટે કોઈ નાણાકીય રકમ ચુકવવામાં આવી નથી. વેન્ટિલેટર ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા છે. 

ધમણ-1 વેન્ટીલેટરનો વિવાદ, કોંગ્રેસના સવાલોનો જીતુ વાઘાણીએ આપ્યો આ જવાબ

તેમણે કહ્યુ કે, હું મહેસાણા જિલ્લાનું છું એટલે મહેસાણાની કોઈ ઉત્પાદક કંપની  નાણાંકીય મદદ કરે કે દાન આપે તે ચીજવસ્તુઓ ભેટ આપે તો તેને મારી સાથે સાંકળી શકાય નહીં. કોંગ્રેસના આક્ષેપો બેબુનિયાદ  છે. મુખ્યમંત્રી રાજકોટના છે અને કંપની રાજકોટની છે  તેવા આક્ષેપો કોઈ  સંજોગોમાં ચલાવી લેવાય નહીં.  કોંગ્રેસના ટેક્નિકલ આક્ષેપો કોઈ સંજોગોમાં ટકી શકે તેવા નથી. તેમણે કહ્યુ કે, વિશ્વમાં વેન્ટિલેટરની અછત છે ત્યારે રાજકોટની કંપનીએ તે બનાવી આપ્યા છે. 

નીતિન પટેલે કહ્યુ કે, ન કરે નારાયણ અને વેન્ટિલેટર ઉપલબ્ધ ન હોય તેવી સ્થિતિ નિર્માણ ન થાય એટલા માટે વેન્ટિલેટર જરૂરી છે. સરકારે આગોતરા આયોજન માટે વેન્ટિલેટર લીધા છે. જે દર્દીઓ સારવાર લઇને ડિસ્ચાર્જ થાય છે ત્યારે લોકો તાળીઓ પાડીને વધાવે છે, સ્વાગત કરે છે, આ દ્રશ્યો કોંગ્રેસથી સહન થતા નથી. તેમણે કોંગ્રેસે વેન્ટિલેટર આવ્યા ત્યારે આવકાર આપવાની વાત પણ નકારી હતી. નીતિન પટેલે કહ્યુ કે, ગુજરાત સરકાર જેવી પારદર્શક કામગીરી કોઈ રાજ્ય સરકારે કરી નથી. 

નીતિન પટેલે કોંગ્રેસ પર ગંભીર આરોપ લગાવતા કહ્યુ કે, કોંગ્રેસના કોર્પોરેટરો અને ધારાસભ્યો છે તે વિસ્તારમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓને સહયોગ આપવામાં આવ્યો નથી. તેનું પરિણામ આજે અમદાવાદ ભોગવી રહ્યુ છે. કોંગ્રેસની તે સમયની પ્રવૃતિને કારણે કેસોની સંખ્યા વધી છે. તેમણે કહ્યુ કે, કોંગ્રેસની ભાગીદારી વાળી સરકાર મહારાષ્ટ્રમાં ચાલે છે, ત્યાં અનેક ગણી ખરાબ પરિસ્થિતિ છે. 

અમદાવાદ સિવિલમાં થયેલા મૃત્યુ પર કોંગ્રેસે કરેલા આરોપો અંગે નીતિન પટેલે કહ્યુ કે, સિવિલ હોસ્પિટલમાં 5347 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા. હાલ 4085 દર્દીઓને રજા આપી દેવામાં આવી છે. હાલ 924 સંક્રમિતો સારવાર લઈ રહ્યા છે. સિવિલમાં અત્યાર સુધી 338 દર્દીઓના મૃત્યુ થયા છે. તેમણે કહ્યુ કે, આ દુખદ મૃત્યુઆંક માત્ર 3 ટકા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news