સરકારી તંત્રની અણઆવડતનો નમૂનો આવ્યો સામે, ભાવનગરમાં પહેલા રોડ બનાવ્યો પછી તોડી નાખ્યો

ભાવનગર મહાનગર પાલિકામાં સંકટનનો અભાવ જોવા મળ્યો છે. કરોડો રૂપિયાના ખર્ચે નવો રોડ બનાવી દીધો પછી તંત્રને યાદ આવ્યું કે તેમાં કેબલ અને પાઈપલાઈનનું કામ રહી ગયું છે. પછી નવો રોડ તોડી તેમાં ફરી કામ કરવામાં આવી રહ્યું છે.

સરકારી તંત્રની અણઆવડતનો નમૂનો આવ્યો સામે, ભાવનગરમાં પહેલા રોડ બનાવ્યો પછી તોડી નાખ્યો

નવનીત દલવાડી, ભાવનગરઃ વિકાસની અવળી ગંગા...હા, ભાવનગરમાં વિકાસ ઊંધો દોડી રહ્યો છે. તમને થશે કે ઉંધો વિકાસ એટલે શું?...તો મહારાજા કૃષ્ણકુમારસિંહજીની નગરીમાં બુદ્ધીનું દેવાળુ ફૂંકી દેનારા અને અણઆવડતનું કામ કરનારા અધિકારીઓ અને સત્તાધીશોએ કામ એવા કર્યા છે કે પ્રજાના કરોડો રૂપિયાનો વેડફાટ થઈ રહ્યો છે. કામ તો વિકાસનું કરી રહ્યા છે પરંતુ કામ કરવાની તેમની આવડત એવી છે કે તેમાં સુવિધાની જગ્યાએ દુવિધા મળી રહી છે...ત્યારે એવું તો BMCએ શું કર્યું કામ?...જુઓ આ અહેવાલમાં....

પ્રજાના ટેક્સના પૈસાથી, પ્રજાના પરસેવાના કમાણીમાંથી બનેલા નવા નક્કોર રોડનું આ અધિકારીઓ અને આ સત્તાધીશોએ કેવું નંખોદ વાળી નાંખ્યું છે તે જોઈ શકાય છે...પહેલા કરોડોના ખર્ચે રોડ બનાવીને વાહવાહી મેળવી...પછી યાદ આવ્યું કે રોડ નીચે કેબલ અને પાઈપલાઈન નાંખવાની તો રહી ગઈ છે. તો પછી હજારોના ખર્ચે રોડ તોડાવ્યો અને હવે લાખોના ખર્ચે રોડની નીચે કેબલિંગ અને પાઈપલાઈનનું કામ ભાવનગર કોર્પોરેશનના બુદ્ધીશાળી અને વિજનરી અધિકારીઓ અને સત્તાધીશો કરી રહ્યા છે...

ભાવનગરમાં આમ તો અંદરો અંદરની ટાંટિયા ખેંચ અને વિવાદને કારણે વિકાસનું કામ ખોરંભે ચળતું રહે છે. વર્ષોના વર્ષ નીકળી જાય છે. પરંતુ જ્યારે કામ થાય ત્યારે પણ આવું જ થાય છે....કારણ કે આ જ ભાવનગરને આપણે ખાડાનગર કહીએ તો ખોટું નથી....ચોમાસામાં તો નજર કરીએ ત્યાં ખાડા અને ભૂવા પડેલા જોવા મળે છે...પરંતુ અત્યારે તો શિયાળામાં પણ કંઈક ચોમાસા જેવી જ સ્થિતિ દેખાઈ રહી છે...અને આ ખાડા તો બુદ્ધીનું ઉત્તમ પ્રદર્શનના છે. કોર્પોરેશનના અલગ અલગ વિભાગોમાં સંકલનના અભાવને કારણે શહેરની દુર્દશા જોઈ શકાય છે.

મોટી મોટી વાતો અને વચનો આપતાં ભાવનગર કોર્પોરેશનના સત્તાધીશો અને અધિકારીઓના પાપે પ્રજાના કરોડો રૂપિયાનો વેડફાટ થયો છે...જે પ્રજા પોતાના પરસેવાની કમાણીમાંથી ટેક્ષ આપે છે. તે ટેક્ષના પૈસાનું આ અધિકારીઓ શું કરી રહ્યા છે તે જોઈ શકાય છે. વિપક્ષ આ મામલે લાલચોળ થયું છે.

તો આ મામલે જ્યારે અમે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો આ અણઆવડત અને પ્રજાને પડી રહેલી હાલાકી પર પૂછ્યું તો તેમણે કેમેરા સામે કબૂલાત કરી કે સંકલનના અભાવે આ સમસ્યા સર્જાઈ છે....પરંતુ હવે ફરી ક્યારેય આવું ન થાય તે માટે અધિકારીઓને સુચના આપવામાં આવી છે. અને કડક પગલાં પણ ભરવામાં આવશે.

પ્રજાના પૈસાનો થઈ રહેલો આ વેડફાટ રોકવો જરૂરી છે. અણઆવડતનું કામ કરનારા અધિકારીઓ અને સત્તાધીશો સામે કાર્યવાહી કરવી જોઈએ. જોવું રહ્યું કે સરકાર શું પગલા ભરે છે?.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news