સુરત : ધારાસભ્ય વી.ડી.ઝાલાવાડીયાના પુત્રએ વેપારીને કહ્યું, ‘ધારાસભ્ય વિરુદ્ધ પોસ્ટ મૂકી જુવો, પછી ખબર પડશે..’
Trending Photos
ચેતન પટેલ/સુરત :સુરતના કામરેજના ધારાસભ્ય વી.ડી ઝાલાવાડીયાના પુત્ર શરદ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. સોશિયલ મીડિયામાં પોસ્ટ કરનારને ધમકી આપી ગાળો આપી હતી. કામરેજના ભાજપના ધારાસભ્ય વીડી ઝાલાવડીયાના પુત્ર શરદ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં કરેલી પોસ્ટને લઈને ધમકી આપવામાં આવી હોવાની સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ નોંધાવનારે ધમકી આપતું રેકોર્ડિંગ પણ પોલીસને આપ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પાસોદ્રા ગામ ખાતે રહેતા વેપારી રાજેન્દ્રભાઈ લવાભાઈ સવાણીએ ગત 2 ઓગસ્ટના રોજ ફેસબુક પર એક સરકારી શાળાને લગતી પોસ્ટ કરી હતી. જેમાં શાળાની સમસ્યાનો નિકાલ થાય તે અંગે ફોટો સોશિયલ મીડિયામાં મૂક્યો હતો. સરકારી શાળાની સમસ્યાનો નિકાલ થાય તેવો હતો અને આ પોસ્ટ કોઈ વ્યક્તિને ઉદ્દેશીને કરી ન હતી. આ દરમિયાન 3 ઓગસ્ટના રોજ કામરેજના ધારાસભ્ય વી.ડી. ઝાલાવડીયાના દીકરા શરદ ઝાલાવડીયા સાથે ફોનમાં વાતચીત થઈ હતી. જેમાં શરદ ફેસબૂક પોસ્ટ અંગે એલફેલ બોલવા લાગ્યો હતો.
શરદે વેપારીને જણાવ્યું હતું કે, તમારા ખોટા કામમાં કોઈ સાથ સહકાર ન આપે અને તમારા જે આકા હોય તેને કહી દેજો કે માપમાં રહે. શરદે વેપારી સાથે ગાળાગાળી કરી અસભ્ય વર્તન કર્યું હતું. જેથી તેમણે ગાળો ન આપવા જણાવતા શરદે ધમકી આપી હતી કે, હવે ધારાસભ્ય વિરુદ્ધ પોસ્ટ મૂકી જુવો, પછી ખબર પડશે. રાજેન્દ્રભાઈને આપવામાં આવેલી ધમકીના કારણે સરથાણા પોલીસ સ્ટેશનમાં ધારાસભ્યના પુત્ર શરદ ઝાલાવડીયા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે