ગુજરાતના આ શહેરમાં સ્મશાનમાં ફરકાવાયો ત્રિરંગો
આઝાદીના રાષ્ટ્રીય પર્વ (independence day) નિમિત્તે આજે દેશમાં દરેક સ્થળો ઉપર ત્રિરંગો લહેરાવવામાં આવી રહ્યો છે, ત્યારે મોરબીમાં મોક્ષધામ એટલે કે સ્મશાનમાં પણ ત્રિરંગો લહેરાયો હતો. આ વાત સાંભળીને જરાપણ ચોંકી જવાની જરૂર નથી. કેમ કે, મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ ભારતી વિદ્યાલયના સંચાલકો દ્વારા દર વર્ષે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સાથે રાખીને મોક્ષધામમાં રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવે છે.
Trending Photos
હિમાંશુ ભટ્ટ/મોરબી :આઝાદીના રાષ્ટ્રીય પર્વ (independence day) નિમિત્તે આજે દેશમાં દરેક સ્થળો ઉપર ત્રિરંગો લહેરાવવામાં આવી રહ્યો છે, ત્યારે મોરબીમાં મોક્ષધામ એટલે કે સ્મશાનમાં પણ ત્રિરંગો લહેરાયો હતો. આ વાત સાંભળીને જરાપણ ચોંકી જવાની જરૂર નથી. કેમ કે, મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ ભારતી વિદ્યાલયના સંચાલકો દ્વારા દર વર્ષે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સાથે રાખીને મોક્ષધામમાં રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવે છે.
આજે દેશભરમાં જુદીજુદી જગ્યાઓ પર ત્રિરંગો લહેરાવીને રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. મોરબીમાં સામાકાંઠે વિસ્તારમાં મચ્છુ નદીના કાંઠે સોનાપુરી સ્મશાન આવેલું છે. જ્યાં વિદ્યાર્થીઓ દ્વારા ત્રિરંગો લહેરાવીને રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આવું આજે પહેલી વખત નહિ, પરંતુ છેલ્લા પાંચ વર્ષથી ભારતી વિદ્યાલાય અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને સાથે રાખીને સ્મશાનમાં રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરે છે. જો કે ચાલુ વર્ષે શાળા ચાલુ હોઈ વિદ્યાર્થીઓ અને સ્ટાફની હાજરીમાં આજે 75 માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ હતી. દેશની આન, બાન અને શાન સમા ત્રિરંગાને ખુલ્લા આકાશમાં લહેરાવીને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
આ વિશે ભારતી વિદ્યાલયના સંચાલક હિતેશ મહેતાએ જણાવ્યું કે, સામાન્ય રીતે કોઇપણ મૃત્યુ પામે પછી જ તેના સ્વજનોને સ્મશાનમાં જવાનું થતું હોય છે. ખાસ કરીને બાળકોના મનમાં સ્મશાનને લઈને એક ભય હોય છે. જેને દૂર કરવા માટે આ શાળા દ્વારા છેલ્લા પાંચ વર્ષથી સ્મશાનમાં ત્રિરંગો લહેરાવવામાં આવે છે.
ઉલેખનીય છે કે, શિક્ષણ ક્ષેત્રે આગવું નામ ધરાવતી મોરબીની ભારતી વિદ્યાલય શાળા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રાષ્ટ્રીય પર્વની સ્મશાનમાં ઉજવણી કરવામાં આવી છે. આ અનોખી ઉજવણી માટે શાળાના સંચાલકનું એવું માનવું છે કે, વિદ્યાર્થીઓ નાનપણથી જ મોક્ષધામ કે જે ખરેખર પવિત્રધામ છે અને ત્યાં શાંતિ હોય છે એટલે કે શાંતિના ધામ ખાતે જાય અને સામાન્ય રીતે દરેક જીવ માત્રનો અંતિમ પડાવ મોક્ષધામ હોય છે. તેનાથી વિદ્યાર્થીઓ માહિતગાર થાય. તેમજ સ્માશન નામ પડતાની સાથે જ બાળકોના મનમાં જે ચિત્ર ઉભું થાય છે તેના કરતા વાસ્તવિક ચિત્ર કેટલું વિપરીત હોય છે તેની સમજણ કેળવાય. આ માટે સ્મશાન ભૂમિ ઉપર ત્રિરંગો લહેરાવીને રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવાનો સંકલ્પ કર્યો છે. જો કે કોરોનાના લીધે આજે જે ધોરણના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે છૂટ આપવામાં આવી છે, તેને સાથે રાખવામાં આવ્યા હતા.
વિદ્યાર્થીઓના મનમાંથી ખોટો ડર દુર થાય તે માટે રાષ્ટ્રીય પર્વની ઉજવણી સ્મશાનમાં કરવામાં આવશે તેવો સંકલ્પ મોરબીની ભારતી વિદ્યાલય દ્વારા પાંચ વર્ષ પહેલા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી વખતે સ્મશાન ખાતે કરવામાં આવી હતી. જેને સાર્થક કરતા આજે આ શાળાના સંચાલક તેમજ સ્ટાફ અને વિદ્યાર્થીઓ દ્વારા સ્મશાનમાં ત્રિરંગો લહેરાવવામાં આવ્યો હતો. અત્રે ઉલેખનીય છે કે, દરિયાથી લઈને પહાડ સુધી દરેક જગ્યાએ આજે તિરંગો લહેરાવીને દેશના દરેક ખૂણે ખૂણામાં દેશવાસીઓ દ્વારા રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી છે ત્યારે મોરબી શહેરની અંદર સ્મશાનની પવિત્ર ભૂમિ ઉપર તિરંગો લહેરાવીને રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે