ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે કેવો રહ્યો નેતાઓનો અંતિમ તબક્કાનો પ્રચાર? કોણે કેવું લગાવ્યું જોર
Loksabha Election 2024: લોકસભાની ચૂંટણી માટે અંતિમ ઘડીના પ્રચારમાં ભાજપના નેતાઓએ તમામ 25 બેઠકો પર ઝંઝાવાતી પ્રચાર કર્યો હતો. રોડ શો, બાઈક રેલી, જનસભા સહિતના ચૂંટણી કાર્યક્રમો કરીને ઉમેદવારોને રિઝવવાનો પ્રયાસ કર્યો હતો.
Trending Photos
Loksabha Election 2024: લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે નેતાઓએ અંતિમ જોર લગાવ્યું હતું. રોડ શો, જાહેર સભાઓ, હરીફ ઉમેદવાર અને હરીફ પક્ષો પર આરોપ-પ્રતિ આરોપ વચ્ચે આખરે ત્રીજા તબક્કાના મતદાનનો પ્રચાર પૂરો થયો. હવે 7 તારીખે ગુજરાતની 25 બેઠકો પર મતદાન થશે. છેલ્લી ઘડીના પ્રચારમાં નેતાઓએ કેવુ જોર લગાવ્યું વાંચોઆ રિપોર્ટમાં.
લોકસભાની ચૂંટણી માટે અંતિમ ઘડીના પ્રચારમાં ભાજપના નેતાઓએ તમામ 25 બેઠકો પર ઝંઝાવાતી પ્રચાર કર્યો હતો. રોડ શો, બાઈક રેલી, જનસભા સહિતના ચૂંટણી કાર્યક્રમો કરીને ઉમેદવારોને રિઝવવાનો પ્રયાસ કર્યો હતો. પાટણમાં ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીએ રોડ શો યોજ્યો. જેમા મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ જોડાયા હતા. આ દરમિયાન ભરતસિંહ ડાભીએ 5થી 7 લાખની લીડ સાથે જીત મેળવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
પોરબંદરથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો. ધોરાજી અને ઉપલેટા શહેરમાં અલગ અલગ વોર્ડમાં ફરીને મનસુખ માંડવિયાએ સ્લીપનું વિતરણ કર્યું હતું. ન માત્ર ભાજપે પરંતુ, ત્રીજા તબક્કાના મતદાન પહેલાં કોંગ્રેસે પણ ગુજરાતમાં તનતોડ પ્રચાર કર્યો. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા સુપ્રિયા શ્રિનેત અમદાવાદ આવ્યા અને પત્રકાર પરિષદ યોજીને ભાજપ અને સરકાર પર પ્રહાર કર્યા.
બનાસકાંઠામાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબહેન ઠાકોરે પ્રચાર દરમિયાન ભાજપ પર આકરા પ્રહાર કર્યા. પ્રચાર દરમિયાન ગેનીબહેન ઠાકોરે અધિકારીઓની કામગીરી પણ સવાલ ઉઠાવ્યા. ગેનીબહેને કહ્યું કે, કોંગ્રેસ પ્રચારના પોસ્ટર લગાવે છે પરંતુ, ભાજપના અધિકારીઓ ઉતારી લે છે.
સુરતમાં આદિવાસી સમાજે ચૈતર વસાવા સહિત ઈન્ડિયા ગઠબંધનના સમર્થનમાં ગીત એક બનાવ્યું. 'સોચ કર વોટ કર'ની થીમ પર બનાવેલા આ ગીતમાં આપ ઉમેદવાર ચૈતર વસાવા, કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ અને સિદ્ધાર્થ ચૌધરીને જીતાડવા હાંકલ કરાઈ છે.
લોકસભાની ચૂંટણીને લઈને વહીવટી તંત્ર પણ સજ્જ છે. અમદાવાદ જિલ્લામાં કુલ 2741 મતદાન મથકોમાં વેબ કાસ્ટિંગની વ્યવસ્થા કરાઈ છે. કુલ 42 સ્ક્રિન પર નિરિક્ષણ કરવા માટે સ્ટાફને કામ સોંપી દેવાયું છે. દરેક મતદાન કેન્દ્ર પર ટ્રાફિન ન સર્જાય તે માટેનું પણ આયોજન કરાયું છે. મહત્વનું છે કે, અમદાવાદ જિલ્લામાં કુલ 5459 મતદાન કેન્દ્ર છે. દરેક બૂથ પર 1500 લોકો મતદાન કરે તે પ્રમાણે વ્યવસ્થા કરાઈ છે.
ગુજરાતમાં ઉમેદવારો દ્વારા પરસેવો પાડવાનું કામ હવે પૂર્ણ થયું છે. હવે બાજી મતદારોના હાથમાં છે. આગામી 7 તારીખે ગુજરાતની જનતા પોતાનો મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કરશે. જેમાં ગુજરાતના 25 સાંસદોની સાથે પોતાની પસંદની નવી સરકાર રચાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે