ગુજરાત સરકાર દ્વારા આ ખેડૂતોને આપવામાં આવશે સહાય, જાણો શું કહ્યું કૃષિમંત્રીએ
રાજ્યમાં કમલમ ફળ (ડ્રેગનફ્રૂટ) નું વાવેતર કરતા સામાન્ય જાતિના ખેડૂતોને એક હેક્ટરની મર્યાદામાં હેક્ટર દીઠ મહતમ રૂપિયા 3,00,000 તથા અનુ.જન.જાતિ અને અનુ.જાતિના ખેડૂતોને એક હેક્ટરની મર્યાદામાં હેક્ટર દીઠ મહત્તમ રૂપિયા 4,50,000 ની સહાય આપવામાં આવશે
Trending Photos
બ્રીજેશ દોશી, ગાંધીનગર: કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે, રાજયના ખેડૂતોના આર્થિક ઉત્થાન માટે રાજય સરકાર હરહંમેશ કટિબદ્ધ છે. જેના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે આગામી તા. 1 સપ્ટેમ્બરના રોજ જામનગર જિલ્લાના ધ્રોલ ખાતેથી ખેડૂત હિતલક્ષી અનેક પ્રકલ્પો તથા સહાય વિતરણના કાર્યક્રમો યોજાશે.
કૃષિમંત્રીએ કહ્યું હતું કે, ખેડૂતોને નવીનતમ ટેકનોલોજીનો લાભ મળી રહે તે હેતુથી રાજ્યમાં સાબરકાંઠા, ગીર-સોમનાથ, કચ્છ, મહેસાણા, વલસાડ અને આણંદ એમ કુલ 6 સેન્ટર ઓફ એક્સેલેન્સ કાર્યરત છે. રાજ્યમાં પોરબંદર, અરવલ્લી, પંચમહાલ અને નર્મદા ખાતે વધુ નવા 4 સેન્ટર ઓફ એક્સેલેન્સ આકાર લઈ રહ્યા છે. જ્યારે અમદાવાદ, ખેડા અને જામનગર ખાતે કુલ રૂપિયા 3116 લાખના ખર્ચે સેન્ટર ઓફ એક્સલન્સ ફોર હોર્ટીકલ્ચર ક્રોપ ઉભા કરવામાં આવી રહ્યા છે.
આ સેન્ટરો ખાતે નવીન તકનિકો માટે નિદર્શન એકમો, રક્ષિત ખેતીના એકમો જેમ કે પોલી હાઉસ-નેટ હાઉસ-પ્લગ નર્સરી વગેરે, તાલીમ ભવન અને વહીવટી સંકુલ, પેક હાઉસ, કોલ્ડ ચેઇનને લગત એકમો તથા માતૃ બ્લોક અને હાઇટેક નર્સરી જેવા એકમો ઉપલબ્ધ હશે અને ખેડૂતો લાભાન્વિત બનશે તેમ પણ કૃષિમંત્રીએ ઉમેર્યું હતું.
કૃષિમંત્રીએ ઉમેર્યું કે, તેમજ વિશ્વ સ્તરીય ખેત પેદાશો તેમજ પ્રોસેસ્ડ પ્રોડક્ટની માંગને પહોંચી વળવા બાગાયતી પાકના કલ્સ્ટરોને કાપણી પછીની વ્યવસ્થા અને બજાર સાથે સાંકળી ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન (FPO) ને માળખાકીય સુવિધા પૂરી પાડવા રૂપિયા 2500 લાખના ખર્ચે બનાસકાંઠા, કચ્છ, જામનગર, નવસારી અને પંચમહાલ એમ કુલ પાંચ જિલ્લામાં પ્રાયમરી પ્રોસેસીંગ યુનિટ ઉભા કરવામાં આવી રહ્યા છે.
કૃષિમંત્રીએ વધુમાં ઉમેર્યું કે, રાજ્યમાં કમલમ ફળ (ડ્રેગનફ્રૂટ) નું વાવેતર કરતા સામાન્ય જાતિના ખેડૂતોને એક હેક્ટરની મર્યાદામાં હેક્ટર દીઠ મહતમ રૂપિયા 3,00,000 તથા અનુ.જન.જાતિ અને અનુ.જાતિના ખેડૂતોને એક હેક્ટરની મર્યાદામાં હેક્ટર દીઠ મહત્તમ રૂપિયા 4,50,000 ની સહાય આપવામાં આવશે.
કૃષિમંત્રીએ કહ્યું કે, કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ હેઠળ રાજ્યમાં બાગાયતી ખેતીમાં વધુ ઉત્પાદન તથા ઉચ્ચ ગુણવત્તા મળી રહે અને રાજ્યના ખેડૂતો એકસાથે મોટા વિસ્તારમાં આધુનીક બાગાયતી ખેતી કરતા થાય તે માટે બહુવર્ષાયુ ફળઝાડ વાવેતરમાં સહાય, પિયતના વિવિધ સાધનોમાં સહાય, બાગાયતી યાંત્રીકરણમાં સહાય એમ વિવિધ ઘટકોમાં વ્યક્તિગત ખેડૂત, FPO, FPC, રજીસ્ટર્ડ ટ્રસ્ટને મહત્તમ રૂ. 50 લાખ સુધીની સહાય અપાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત એક વૈવિધ્ય લક્ષી કૃષિ અર્થતંત્ર ધરાવે છે. રાજ્ય કૃષિ અર્થતંત્રમાં ઓછુ મુલ્ય ધરાવતા પાકોને બદલે એકમ વિસ્તારમાં વધારે ઉત્પાદન આપતા પાકો જેવા કે, ફળો, શાકભાજી અને ગરમ મસાલાનો હિસ્સો વધતો જોવા મળે છે. આજે બાગાયતી ખેતી ફક્ત આજીવિકાનું સાધન જ નહીં પણ એક ઉધોગ તરીકે અપનાવાઇ રહી છે. બાગાયતી ખેતી થકી અન્ય પાકો કરતાં વધુ ઉત્પાદન મળે છે તેમજ પર્યાવરણની જાળવણીમાં અગત્યનો ભાગ ભજવે છે.
દક્ષિણ ગુજરાતમાં કેસર કેરી, ડાંગમાં સ્ટ્રોબેરી, ઉત્તર ગુજરાતમાં બટાટાની પ્રોસેસીંગ જાતો, કચ્છમાં ટીસ્યુકલ્ચર ખારેકનુ વાવેતર, સૌરાષ્ટ્રમાં ગીર કેસર કેરી, ડુંગળીનું વાવેતર તેમજ ડુંગળીની સુકવણી કરેલ બનાવટો રાજ્ય સરકારના ખેડૂતલક્ષી દ્રઢ અભિગમ થકી જ શક્ય બન્યું છે. રાજ્યના સૂકા-અર્ધ સૂકા વિસ્તારો હરિયાળા બન્યા છે. જેનાથી ખેડૂતોની આવક પણ વધી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે