ઉતાવળમાં રાજકોટ એરપોર્ટનું ઉદઘાટન કરી દેવાયું, ગુજરાતના જાણીતા લેખકે વીડિયોથી આપી હકીકત

Rajkot International Airport  : રાજકોટ હીરાસર એરપોર્ટમાં પૂરતી સુવિધાઓ નથી મળતી? એરપોર્ટના ઈન્ટરનેશનલ હોવા પર કેમ ઉઠ્યા સવાલ? એરપોર્ટનું લોકાર્પણ ઉતાવળે કરી દેવાયું? નવા એરપોર્ટનું વર્તમાન ટર્મિનલ કામચલાઉ છે... શું એરપોર્ટ ઓથોરિટી હરકતમાં આવશે?

ઉતાવળમાં રાજકોટ એરપોર્ટનું ઉદઘાટન કરી દેવાયું, ગુજરાતના જાણીતા લેખકે વીડિયોથી આપી હકીકત

Rajkot News : દોઢ મહિના પહેલાં પ્રધાનમંત્રીએ જેનું લોકાર્પણ કર્યું હતું, તે રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ અત્યારે ચર્ચામાં છે. ચર્ચા એરપોર્ટ પર નવી ફ્લાઈટની નથી, પણ પાયાની સુવિધાઓના અભાવની છે. લેખક અને સાહિત્યકાર જય વસાવડાનો એક વીડિયો વાયરલ થતાં આ મુદ્દો ચર્ચામાં આવ્યો, આ સાથે જ એરપોર્ટને લગતી ઘણી હકીકતો સામે આવી ગઈ.

27 જુલાઈના રોજ રાજકોટના હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ થતાં સૌરાષ્ટ્રના લોકોને મોટી રાહત મળી હતી. લોકોને ફ્લાઈટ પકડવા અમદાવાદ અને મુંબઈ સુધી જવાની ઝંઝટમાંથી મુક્તિ મળી હતી. જો કે લોકાર્પણના દોઢ મહિનામાં જ એરપોર્ટ પર પાણી જેવી પાયાની સુવિધાઓ અંગે ફરિયાદો સામે આવવા લાગી છે. 

લેખક અને સાહિત્યકાર જય વસાવડાનો એક વીડિયો વાયરલ થતાં એરપોર્ટ સાથે જોડાયેલાં ઈન્ટરનેશનલના દરજ્જા સામે સવાલ ઉઠવા લાગ્યાં. આ વીડિયોમાં તેઓ એરપોર્ટ પર વ્યવસ્થાની હકીકત જણાવી રહ્યા છે. વીડિયો વાયરલ થતાં હીરાસર એરપોર્ટ પર સુવિધાઓને લગતી ફરિયાદો અચાનક વધવા લાગી. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ પણ મેદાનમાં આવી ગયું. એરપોર્ટનું લોકાર્પણ ઉતાવળે કરાયું હોવાના આક્ષેપ થયા. એરપોર્ટ અને રાજકોટ શહેર વચ્ચે 30 કિલોમીટર જેટલા વધુ અંતર પર પણ સવાલ ઉઠ્યા. 

હીરાસર એરપોર્ટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. એરપોર્ટના લોકાર્પણ સમયે રાજકોટ ભાજપનાં પદાધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ એરપોર્ટના ભારે વખાણ કર્યા હતા. તેમાંથી એક એવા રાજ્યસભા સાંસદ રામ મોકરિયાએ હવે દાવો કર્યો કે ટૂંક સમયમાં બધું બરાબર થઈ જશે.

રાજકોટ ભાજપના અગ્રણી અને પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરા તો પોતે હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આંટો મારી આવ્યા. વીડિયો બનાવીને તેમણે એરપોર્ટની વિશેષતાઓ જણાવી. સાથે જ લોકોને ખાતરી પણ આપી

ભરત બોઘરાએ પોતાના વીડિયોમાં બે મોટા ખુલાસા કર્યા છે. એક તો એ કે હાલનું ટર્મિનલ કામચલાઉ ટર્મિનલ છે અને બીજું એ કે કાયમી ટર્મિનલ એપ્રિલ સુધી તૈયાર થશે. તેમનાં આ દાવાને જોતાં સવાલ ઉઠ્યા કે કાયમી સુવિધાઓ વિના એરપોર્ટનું ઉતાવળે લોકાર્પણ કેમ કરી દેવાયું. આ ખુલાસા અત્યાર સુધી કેમ નહતા કરાયા.

રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ રાજ્યનું પહેલું ગ્રીનફિલ્ડ એરપોર્ટ છે. એટલે કે આ એરપોર્ટનું ખુલ્લી જમીન પર શૂન્યથી સર્જન કરવામાં આવ્યું છે. ગ્રીનફિલ્ડ એરપોર્ટમાં પર્યાવરણની સલામતી માટે પણ ખાસ વ્યવસ્થાની જોગવાઈ હોય છે, ત્યારે હવે જોવું એ રહેશે કે આ એરપોર્ટને ઈન્ટરનેશનલ કહી શકાય તેવી સુવિધાઓ ક્યારે મળે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news