વાવાઝોડામાં પણ અહીં અડીખમ ઊભી છે વરિયાળી! શિક્ષક કે અંજીર અને સફરજનની પણ કરી છે ખેતી

માંડલ તાલુકાના શિક્ષકે પ્રાકૃતિક ખેતીની પદ્ધતિથી જામફળ, સફરજન, અંજીર, આંબા, નારંગી, સિતાફળ, પપૈયા, લીંબુ તેમજ હળદર, તુવેર, વરિયાળી, ચણા, મેથીની ખેતી કરી.

  • માંડલ તાલુકાના શિક્ષકે પ્રાકૃતિક ખેતીથી કરી લાખોની કમાણી

  • માવઠા અને વાવાઝોડામાં પણ અડીખમ છે શિક્ષકની મહેનત

    જમીન અને માનવીના સ્વાસ્થ્યની રક્ષા માટે પ્રાકૃતિક ખેતી જ શ્રેષ્ઠ માર્ગ

Trending Photos

વાવાઝોડામાં પણ અહીં અડીખમ ઊભી છે વરિયાળી! શિક્ષક કે અંજીર અને સફરજનની પણ કરી છે ખેતી

ઝી બ્યૂરો, અમદાવાદઃ રાસાયણિક કૃષિ એ સ્વતંત્રતા સમયે હરિત ક્રાંતિ માટે સમયની માંગ હતી પરંતુ હવે રાસાયણિક કૃષિના દુષ્પ્રેરણામાંથી વિશ્વ આખું ત્રસ્ત છે, ત્યારે પ્રાકૃતિક કૃષિ આ દુષ્પ્રેરણાથી મુક્તિ માટે મજબૂત વિકલ્પ છે. એટલું જ નહીં, ખેડૂતોના કલ્યાણ માટે, લોકોના આરોગ્ય અને સ્વાસ્થ્ય માટે, ધરતી મા અને ગૌમાતાના સંરક્ષણ માટે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અનિવાર્ય જ છે આ સંકલ્પ સાથે માંડલ તાલુકાના નાના ઉભાડા ગામના રહેવાસી અને શિક્ષક એવા મેહુલભાઇ દયાળજીભાઇ પટેલ છેલ્લાં ૪ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. આ ખેતીએ તેમની માટે આર્થિક સમૃદ્ધિના દ્વારા ખોલી આપ્યા છે. આજે તેમની આ ખેતી અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણાદાયી સાબિત થઇ રહી છે. મેહુલભાઇ પટેલ પ્રાકૃતિક ખેતી થકી ૯ થી ૧૦ વીધા જમીનમાં વાર્ષિક રૂપિયા ૬ લાખનો ચોખ્ખો નફો કમાતા થયા છે. 

રાસાયણિક ખેતી ત્યજી પ્રાકૃતિક ખેતી અપનાવનાર ખેડૂત મેહુલભાઇ પટેલ કહે છે, પ્રાકૃતિક કૃષિથી જળ-જમીન અને પર્યાવરણની રક્ષા થાય છે. જમીનની ફળદ્રુપતા વધે છે, દેશી ગાયનું જતન સંવર્ધન થાય છે, કૃષિ ખર્ચ ઘટતા અને પ્રાકૃતિક કૃષિના ઉત્પાદનોના ભાવ પ્રમાણમાં વધારે મળતા ખેડૂતોની આર્થિક સ્થિતિ મજબૂત થાય છે. ગામના પૈસા ગામમાં રહે છે, શહેરના પૈસા પણ ગામમાં આવે છે. આમ, પ્રર્યાવરણ અને માનવ સ્વાસ્થ્યના રક્ષણ માટે  હવે 'બેક ટુ નેચર- પ્રાકૃતિક ખેતી તરફ વળવું એ જ શ્રેષ્ઠ વિકલ્પ છે, જે મેં અપનાવ્યો છે.  

પ્રાકૃતિક ખેતી અંગેની પ્રેરણા અને અનુભવો અંગે વાત કરતા મેહુલભાઇએ કહ્યું કે, વર્ષ ૨૦૧૯માં અમદાવાદ જિલ્લામાં સુભાષ પાલેકરજી દ્વારા આયોજીત પ્રાકૃતિક ખેતીની તાલીમ શિબિરમાં મેં ભાગ લીધો હતો. આ શિબિરમાં આત્મા યોજના અંતર્ગત પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન અને તાલીમ મેળવી હતી. આ તાલીમ બાદ સંકલ્પ લીધો કે હું પ્રાકૃતિક ખેતી જ કરીશ. મારે માત્રને માત્ર પ્રકૃતિની સેવા અને માનવજાતની સેવા કરવી છે. ઓછું મળશે તો ચાલશે પણ પાપ નથી કરવું એમ તેમણે વધુમાં જણાવ્યું હતું. આમ, સુભાષ પાલેકરજી દ્વારા અમદાવાદ ખાતે તાલીમ લઇ આ પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી. 

મેહુલભાઇએ કહ્યું કે, પ્રથમ વર્ષે મેં પ્રાકૃતિક ખેતીની શરૂઆત તુવેર થકી કરી હતી. પ્રથમ વર્ષે મને થોડી સારી એવી આવક થઇ, અને ત્યાર બાદ આવક વધતી ગઈ અને આખરે ચોથા વર્ષે મને સારું પરિણામ મળ્યું અને ૬ લાખનો ચોખ્ખો નફો પણ થયો. સૌથી અગત્યની વાત એ પણ છે કે માવઠા અને વાવાઝોડામાં  પ્રાકૃતિક ખેતીની થકી વરિયાળીની ખેતી અડીખમ ઊભી રહી હતી, જ્યારે આસપાસના ખેડૂતોએ રાસાયણિક ખાતરથી વરિયાળીની ખેતી કરી હતી તે બધી પડી ગઇ હતી. 

મારે દોઢથી બે લાખ જેવી આવક જામફળના ઉત્પાદન થકી થઇ. અઢી લાખ જેવી આવક મને હળદર અને તુવેર થકી થઇ હતી. આ ઉપરાંત વરિયાળી, ચણા, મેથી અને આંબાના ઉત્પાદન થકી અન્ય આવક થઇ હતી. હવે મારી આવક અને ઉત્પાદન જોઇને આસાપાસના ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે અને તેઓ પણ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. 

મેહુલભાઇ પટલે કહ્યું કે, રાસાયણિક ખેતીમાં જમીનમાં રહેલાં સુક્ષ્મ જીવો અળસિયાં અને ઓર્ગેનિક કાર્બન ઓછો થાય છે જેના કારણે જમીન કઠણ થવાથી તેની પાણી શોષવાની ક્ષમતા ઘટી ગઇ છે. ખાતરો અને દવાઓનો ખર્ચ વધવા સાથે ખેતીમાં રોગનું પ્રમાણ પણ વધ્યું છે. પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી છે ત્યારથી ખર્ચ ઓછો થાય છે. ઉત્પાદન અને નફો વધુ થયો છે. ખેત પેદાશોના ભાવ ઊંચા મળવા લાગ્યા છે અને સૌથી મહત્વનું કે પાણીની જરૂરિયાત ઓછી થવા લાગી છે. 

હાલમાં મેહુલભાઇ તેમની ખેતીની જમીનમાં જામફળ, સફરજન, અંજીર, આંબા, નારંગી, સિતાફળ, પપૈયા, લીંબુ તેમજ હળદર, તુવેર, વરિયાળી, ચણા, મેથી બધું એક સાથે કરે છે, જેથી ઉત્પાદન એક પછી એક ચાલું જ રહે અને પાકની સિઝન પૂરી થતા સાથે જ બીજા પાકની સિઝન શરૂ થવાથી આવક પણ ચાલું રહે છે. 

હાલમાં તેમની પાસે એક દેશી ગાય છે. ગૌમૂત્ર તેમજ ગોબરમાંથી જીવામૃત, ધન જીવામૃત, બીજામૃત. બ્રહ્માસ્ત્ર, નિમાસ્ત્ર, અગ્નિસ્ત્ર તેમજ દસ પર્ણી અર્ક અને ફૂગનાશક દેશી ગાયની છાશનો ઉપયોગ કરે છે. ખેતરમાં રહેલા નિંદામણ કે કચરાને આચ્છાદન તરીકે ઉપયોગ કરે છે, જેથી જમીન પોચી અને જમીનમાં અળસિયાનું પ્રમાણ વધ્યું છે. એટલું જ નહીં, જમીનની ભેજ સંગ્રહશક્તિ વધી છે. આમ, પાકૃતિક ખેતી દ્વારા થતી ખેતપેદશોનું મૂલ્યવર્ધન કરી જાતે જ માર્કેટિંગ કરીને વેચાણ કરે છે. 

આ ખેતી પધ્ધતિ થોડી માવજત વધુ માંગે છે પરંતુ સામે તેમાં કોઈ ખર્ચ નથી. આમ, જીવનનું આ રક્ષણ પણ આપણને સેવા અને પૂણ્યની અગણિત તક આપે છે. તેથી પ્રાકૃતિક ખેતી ખુશીનો માર્ગ તો ખોલે જ છે, તે ‘સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સન્તુ નિરામયઃ’આ ભાવનાને પણ સાકાર કરે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news