ચૂંટણી બાદ કોંગ્રેસમાં ઘમાસાણ, રઘુ દેસાઈએ પોતાની હાર માટે પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને જવાબદાર ગણાવ્યા
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. આ ચૂંટણીમાં ભાજપને સૌથી વધુ 156 તો કોંગ્રેસને માત્ર 17 બેઠક મળી હતી. ચૂંટણીમાં કારમા પરાજય બાદ કોંગ્રેસ હાર પર મંથન કરી રહી છે. બીજીતરફ રાધનપુરથી ચૂંટણી હારેલા રઘુ દેસાઈએ પાર્ટીના પ્રદેશ પ્રમુખ પર ગંભીર આરોપ લગાવ્યા છે.
Trending Photos
અમદાવાદઃ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ભાગે અત્યાર સુધીની સૌથી મોટી પછડાટ આવી છે, કોંગ્રેસે વિધાનસભા ચૂંટણીમાં સૌથી ખરાબ પ્રદર્શન કરતા માત્ર 17 બેઠક જીતી છે. ત્યારે હવે પક્ષમાં હારની જવાબદારી પર સંગ્રામ સર્જાયો છે. રાધનપુરથી હારેલા રઘુ દેસાઈએ પોતાની હાર માટે પક્ષના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને જવાબદાર ગણાવ્યા છે. આ માટે તેમણે કેન્દ્રીય નેતૃત્વને પણ ફરિયાદ કરી છે.
કોંગ્રેસનું ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન
છેલ્લા ઘણા સમયથી પોતાનું અસ્તિત્વ બચાવવા સંઘર્ષ કરી રહેલી કોંગ્રેસને વિધાનસભાની ચૂંટણીમાં મોટો ફટકો પડ્યો છે. માત્ર 17 બેઠકો સાથે કોંગ્રેસે તેનું અત્યાર સુધીનું સૌથી કંગાળ પ્રદર્શન કર્યું છે. આ પરિણામો બાદ કોંગ્રેસ હવે ફરી બેઠી થઈ શકશે કે નહીં, તે મોટો સવાલ છે.
રઘુ દેસાઈએ લગાવ્યા ગંભીર આરોપ
એવામાં હવે રાજ્યમાં કોંગ્રેસના નેતૃત્વની કામગીરી સામે સવાલ ઉઠવા લાગ્યા છે. રાધનપુરથી કોંગ્રેસના ઉમેદવાર રઘુ દેસાઈએ પોતાની હાર માટે પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરને જવાબદાર ઠેરવ્યા છે. તેમનો આક્ષેપ છે કે જગદીશ ઠાકોરે તેમને હરાવવાના હેતુસર ચોક્કસ કામગીરી કરી હતી. રઘુ દેસાઈએ સમગ્ર રાજ્યમાં કોંગ્રેસની હાર માટે પણ જગદીશ ઠાકોરને જવાબદાર ગણાવ્યા છે. આ માટે તેમણે કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વને ફરિયાદ પણ કરી છે.
જગદીશ ઠાકોરે આપ્યો જવાબ
તો આ તરફ જગદીશ ઠાકોરે રઘુ દેસાઈના આક્ષેપોને ફગાવી દીધા છે, તેમણે રઘુ દેસાઈ પર હાર ન પચાવી શકવા બદલ ખોટા આક્ષેપ કરવાનો અને તેમના પીએ સાથે અયોગ્ય રીતે વાત કરવાનો આક્ષેપ કર્યો.
રાજ્યમાં ઘણી બેઠકો પર આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને નુકસાન પહોંચાડ્યું છે. જો કે રાધનપુરમાં જંગ સીધો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ હતો. 2019ની પેટાચૂંટણીમાં જીતેલા રઘુ દેસાઈને આ વખતે 82 હજાર 45 મત મળ્યા, જ્યારે ભાજપનાં લવિંગજી ઠાકોરને એક લાખ ચાર હજાર 512 મત મળ્યા..
આમ પહેલી વાર નથી થયું જ્યારે જગદીશ ઠાકોર પર કોંગ્રેસના કોઈ નેતાએ આક્ષેપ કર્યા હોય. વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા કામિનીબા રાઠોડે પણ જગદીશ ઠાકોરના નેતૃત્વ સામે સવાલ ઉઠાવ્યા હતા. તેમણે જગદીશ ઠાકોર પર વ્હાલાદવલાંની નીતિ અપનાવવાનો આક્ષેપ કર્યો હતો.
વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને સ્પષ્ટ બહુમતિ મળવાનો દાવો કરતા જગદીશ ઠાકોર પરિણામ બાદ ફક્ત હાર સ્વીકારવા જ સામે આવ્યા હતા. જગદીશ ઠાકોરે વિધાનસભાની ચૂંટણીના બરાબર એક વર્ષ પહેલા એટલે કે ત્રીજી ડિસેમ્બર 2021ના રોજ ગુજરાતમાં કોંગ્રેસનું સુકાન સંભાળ્યું હતું. તેમના પર કોંગ્રેસને ચૂંટણી માટે તૈયાર કરવાની મોટી જવાબદારી હતી. જો કે તેઓ આમ નથી કરી શક્યા...તેમના નેતૃત્વમાં ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ નબળી પડી છે. ચૂંટણી પહેલા કોંગ્રેસના ચાર ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા. તેમના નામ સાથે ગુજરાતમાં કોંગ્રેસના સૌથી નબળા પ્રદર્શનનો રેકોર્ડ પણ જોડાઈ ગયો છે. કોંગ્રેસ 77 બેઠકો પરથી સીધી 17 બેઠકો પર આવી ગઈ.
ગુજરાતમાં કોંગ્રેસની કારમી હાર બાદ પ્રદેશ પ્રભારી રઘુ શર્માએ પોતાના પદ પરથી તુરંત રાજીનામું આપી દીધું હતું. કોંગ્રેસ હવે પોતાની હારના કારણો પર મંથન કરી રહી છે. આ મંથન ક્યારે પૂરું થાય છે અને તેમાંથી કોંગ્રસ શું તારણ કાઢે છે, તે જોવું રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે