Gujarat Election 2022: ભરૂચના આલિયાબેટમાં 212 મતદારો માટે શિપિંગ કન્ટેનરમાં મતદાન મથક ઉભું કરાશે

Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. ચૂંટણીમાં મતદાતાઓને કોઈ સમસ્યા ઉભી ન થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તેને જોતા ભરૂચના આલિયાબેટમાં મતદાતાઓએ હવે દૂર મતદાન કરવા જવું પડશે નહીં. 

Gujarat Election 2022: ભરૂચના આલિયાબેટમાં 212 મતદારો માટે શિપિંગ કન્ટેનરમાં મતદાન મથક ઉભું કરાશે

ભરૂચઃ આજે ઈલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી છે. ચૂંટણીની તારીખોની જાહેરાત સાથેજ આચારસંહિતા લાગુ થઇ છે. મતદારો વધુ મતદાન અને સરળતાથી કરી શકે તે માટે વિશેષ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી રહી છે. ભરૂચ જિલ્લામાં અન્ય મતદાન મથકોથી અલગમતદાન મથક ઉભું કરવામાં આવશે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારે જણાવ્યું હતું કે ભરૂચના આલિયાબેટના 212 મતદારો માટે શિપિંગ કન્ટેનરમાં મતદાન મથક ઉભું કરવામાં આવશે. અહીંના લોકોને મતદાન માટે 82 કિમિ દૂર થવું પડતું હતું. બેટ ઉપર જત લોકો વસવાટ કરે છે અને બેટ ઉપર એક પણ સરકારી મકાન ન હોવાથી શિપિંગ કન્ટેનરમાં મતદાન મથક ઉભું કરવામાં આવશે.

ગુજરાતના ભરૂચ નજીક આલીયાબેટ ટાપુ આવેલો છે. વર્ષ 2021 માં સ્થાનિકો ચૂંટણીઓમાં પંચે પ્રથમ વખત અહીં મતદાન મથક બનાવ્યું હતું. તે સમયે મતદાન મથકમા 204 મતદારોએ વોટ આપ્યો હતો. આ પોલિંગ બૂથ એક સ્કૂલના શેડમાં બનાવવામાં આવ્યું હતું. અહીં લગભગ 600 લોકોની વસ્તી છે.

ગુજરાતમાં એકમાત્ર ભરૂચના આલીયાબેટમાં શિપિંગ કન્ટેનરમાં મતદાન મથક ઉભું કરશે. અલાયદા મતદાન મથકના નિર્માણનો શ્રેય ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાને જાય છે. ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે બેટ ઉપર એકપણ પાકી સ્ટ્રક્ચર નથી. અહીંના અલાયદા મતદાન મથકમાં રહેવા, શૌચાલય અને ગરમી -ઠંડીથી સલામતીની તમામ વ્યવસ્થા રહેશે. છેવાડાના વ્યક્તિને પણ મતાધિકાર મળે તેનો ખ્યાલ રાખવા પ્રયત્ન કરાયો છે.

આલિયા બેટ એ એક નાનો ટાપુ છે જે ભરૂચ જિલ્લામાં ભાડભૂત કિનારાની નજીક સ્થિત છે. તે નર્મદા નદી પરનો એક નાનો ટાપુ છે જેનો વિસ્તાર વિશાળ છે. અહીં પશુપાલનનો વ્યવસાય કરતા જત કોમના લોકો રહે છે. સ્થાનિકો પાસે મોટી સંખ્યામાં ગાય , ભેંસ અને ઊંટ છે. બોટમાં ભરૂચ અને હાંસોટના કિનારે પહોંચી સ્થાનિક ગામોમાં તે દૂધનો વ્યવસાય કરે છે. અહીંના સ્થાનિકો ખુબજ પછાત જીવન જીવે છે જેઓ વીજળી માટે સોલર લાઈટ ઉપર નિર્ભર છે. દૂર આપવા જતા લોકો પરત કેનમાં પીવાનું પાણી ભરી લાવે છે.

લોકો મોટી સંખ્યામાં મતાધિકારનો ઉપયોગ કરી શકશે  
સ્થાનિક આગેવાન મહમદ જતે જણાવ્યું હતું કે શિપિંગ કન્ટેનરમાં મતદાન મથક ઉભુંકરવાના નિર્ણયથી અહીંના લોકો મતાધિકારનો ઉપયોગ કરી શકશે. અગાઉ સ્થાનિકોએ બોટમાં કલાદરા ગામ સુધી મતદાન માટે જવું પડતું હતું જેના કારણે મતાધિકારનો ઉપયોગ કરાતો ન હતો. તંત્રે લોકશાહીની પ્રક્રિયામાં જોડવાના આ પ્રયાસ બદલ આભાર માન્યો હતો.

ચૂંટણીની તારીખ જાહેર થઇ
ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. કુલ બે તબક્કામાં મતદાન થશે, જેમાં 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન થશે અને 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થશે. તો હિમાચલ પ્રદેશ ની સાથે જ 8 ડિસેમ્બરે ગુજરાત વિધાનસભા ચૂંટણીનુ પરિણામ જાહેર થશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news