ગુજરાત ATSએ વાપીમાંથી પકડી પાડ્યો બિહારનો વોન્ટેડ અને ખૂંખાર નકસલવાદી
બિહારના ગયા જિલ્લાના બહોરમા ગામનો વતની રાજેશ રવિદાસ એક આન્કાઉન્ટર બાદ ફરાર થઈ ગયો હતો, તેણે CRPF પર હુમલો કરેલો છે, પોલીસને પણ નિશાન બનાવી છે, 2018માં દમણમાં નામ બદલીને રહેતો હતો અને ત્યાંથી વાપી આવ્યો હતો
Trending Photos
વલસાડઃ ગુજરાત ATSને એક બહુ જ મોટી સફળતા મળી છે. તેણે છેલ્લા 15 વર્ષથી તે નાસતો ફરતો હતો. છેલ્લા ઘણા સમયથી તે ગુજરાતમાં છુપાયો હોવાની ATSને બાતમી મળી હતી. આથી આ નકસલીને ઝડપી લેવા માટે ઓપરેશન ચાલી રહ્યું હતું. અંતે શુક્રવારે પાકી બાતમીના આધારે વાપીમાં દરોડો પાડીને તેને ઝડપી લેવાયો હતો. ઝડપાયેલો શખ્સ રાજેશ રવિદાસ બિહારના ગયા જિલ્લાના બહોરમા ગામનો વતની છે. બિહારમાં પોલીસ દ્વારા કરાયેલા એન્કાઉન્ટર વખતે તે ફરાર થઈ ગયો હતો. વર્ષ 2016માં પોતાના અન્ય સાથીઓ સાથે મળીને રાજેશે ઔરંગાબાદ અને બિહારના જંગલ વિસ્તારમાં CRPFના જવાનો પર હુમલો કર્યો હતો.જેમાં IED બ્લાસ્ટ તેમજ ઓટોમેટિક હથિયારો વડે હુમલો કરાયો હતો અને આ હુમલામાં CRPFના 10 કમાન્ડો શહીદ થયા હતા.
2017માં બિહારના ગયાના જંગલ વિસ્તારમાં માઓવાદી સંગઠન દેશવિરોધી કોઈ મોટું કાવતરું રચી રહ્યાની જાણ થતાં CRPFની ટીમે તેમને ઘેરીને હુમલો કર્યો. જેમાં ચાર માઓવાદીને ઠાર કરાયા હતા. આ હુમલામાં રાજેશને પણ હાથમાં ગોળી વાગી હતી. જો કે તે ત્યાંથી નાસી જવામાં સફળ રહ્યો હતો. ત્યાર બાદ તે પોતાની ઓળખ છુપાવીને વિવિધ શહેરોમાં નાસતો-ફરતો હતો.
છેલ્લે 2018માં તે દમણ આવ્યો હતો અને ગોપાલ પ્રસાદ તરીકે પોતાની ઓળખ આપીને સિક્યુરિટી ગાર્ડ તેમજ કારખાનામાં મજૂરી કરતો હતો. તે વાપીમાં હોવાની બાતમી મળતા ગુજરાત ATSની ટીમે વાપી જઈને તેને ઝડપી લીધો. પકડાયેલો નક્સલવાદી ક્યા ક્યા માઓવાદીઓના સંપર્કમાં હતો તેની ATSએ પૂછપરછ શરૂ કરી છે.
ગોપાલ પ્રસાદ વર્ષ 2002માં 17 વર્ષની ઉંમરે માઓવાદી સંગઠનમાં જોડાયો હતો. પોતાની જમીનના કૌટુંબિક વિવાદમાં સ્થાનિક તંત્રની નારાજ થતાં તેણે માઓવાદીના મુખિયા લોહાસિંહ અને ભોલા માંજીનો સંપર્ક કર્યો હતો. તેમની મદદથી જમીનના વિવાદનો ઉકેલ લાવ્યો હતો.
ત્યાર બાદ માઓવાદી સંગઠનથી પ્રભાવિત થઈ તેમાં જોડાઈ ગયો હતો. તેણે માઓવાદી સંગઠન દ્વારા પોલીસ તથા CRPFની ટુકડીઓ કરેલા અનેક હુમલામાં ભાગ લીધો હતો. આ સાથે જ તે માઓવાદી સંગઠનને મજબૂત બનાવવા માટે એમની આસપાસના વિસ્તારના નાના મોટા ધંધાર્થીઓ તેમજ સરકારી કામના ઠેકેદારો પાસેથી ખંડણી પણ ઉઘરાવતો હતો.
તેનું કામ જોતા માઓવાદી સંગઠનના બિહાર-ઝારખંડના ઈનચાર્જ પ્રદ્યુમન શર્માએ તેને ઝોનલ કમાન્ડર બનાવી દીધો. મહત્વની બાબત એ છે કે, પ્રદ્યુમન શર્મા વિરુદ્ધ પણ દેશવિરોધી પ્રવૃત્તિઓના 50થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. બિહાર સરકારે પ્રદ્યુમનને વોન્ટેડ જાહેર કરીને તેના પર 50 હજાર રૂપિયાનું ઇનામ પણ જાહેર કરેલું છે.
હાલ તો ગુજરાત ATS તેની સઘન પુછપરછ કરી રહી છે. આ સાથે જ ગુજરાતમાં નકસલી કનેક્શન છે કે નહીં, રાજ્યમાં તેની સાથે બીજા કોઈ નકસલવાદી છુપાયેલા છે કે નહીં તેના અંગે પણ ATS તપાસ કરી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે