BZ ગ્રુપમાં ભૂપેન્દ્ર ઝાલાના એજન્ટ બનીને કામ કરનારા શિક્ષકો ભરાયા! શિક્ષણ વિભાગ કરશે કાર્યવાહી

ભૂપેન્દ્ર ઝાલા 6 હજાર કરોડનું કૌભાંડ કરી ફરાર થઈ ગયો છે. આ કેસમાં દરરોજ નવા-નવા ખુલાસા થઈ રહ્યાં છે. ઝાલાની સાથે કેટલાક શિક્ષકોએ પણ એજન્ટ બનીને કામ કર્યું હતું. હવે આવા શિક્ષકો સામે કાર્યવાહી થઈ શકે છે. 

 BZ ગ્રુપમાં ભૂપેન્દ્ર ઝાલાના એજન્ટ બનીને કામ કરનારા શિક્ષકો ભરાયા! શિક્ષણ વિભાગ કરશે કાર્યવાહી

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી કૌભાંડીઓએ માજા મુકી છે. કૌભાંડીઓ એવા એવા કાંડ કરે છે અને લોકોને છેતરે છે જેની કલ્પના પણ ન કરી શકાય. સાબરકાંઠા અને અરવલ્લી સહિત સમગ્ર ગુજરાતમાં રોકાણકારોને રાતા પાણીએ રોવડાવનાર ભૂપેન્દ્ર ઝાલા ફરાર થઈ ગયો છે. ગુજરાતની સાથે રાજસ્થાનના લોકોને પણ એકના ડબલના નામે લોકોને લૂંટનારા ઝાલાએ 6 હજાર કરોડનું ફેલેકું ફેરવ્યું છે. હવે ભૂપેન્દ્ર ઝાલા સાથે જોડાયેલા શિક્ષકો પર તવાઈ આવી શકે છે.

એજન્ટ બનીને કામ કરનારા શિક્ષકો ભરાયા
BZ ગ્રુપના એજન્ટ બનીને કામ કરનારા શિક્ષકો માટે ભર શિયાળે પરસેવો વળી જાય તેવા સમાચાર સામે આવ્યા છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાની પોન્ઝી સ્કીમ સાથે શિક્ષકો પર તવાઈ આવશે. જી હાં શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે ચેતવણી આપી છે કે જે શિક્ષકો પોન્ઝી સ્કીમમાં જોડાયેલા હશે તેમની ખાતાકીય તપાસ થશે. છેતરામણી સ્કીમ સાથે જોડાયેલા શિક્ષકો સામે કડક કાર્યવાહી કરવાની સરકારી તૈયારીઓ શરૂ કરી છે. એજન્ટ બનીને શિક્ષક પદની ગરીમાને લજવનારને શિક્ષણ વિભાગ નહીં છોડે.

મંત્રી ભીખુસિંહે આપ્યું નિવેદન
ગુજરાતભરમાં ચર્ચા જગાવનાર BZ ફાયનાન્સિયલ સર્વિસના CEO ભૂપેન્દ્ર ઝાલા સામે કરોડો રૂપિયાની છેતરપિંડીનો કેસ નોંધાયો છે. આ કેસમાં રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારના પુત્રનું નામ ઉછળ્યું હતું કેમ કે ભીખુસિંહનો પુત્ર ભૂપેન્દ્ર ઝાલાના મૈત્રી ફાઉન્ડેશનમાં ટ્રસ્ટી છે. પુત્ર ભૂપેન્દ્ર ઝાલાના ટ્રસ્ટમાં ટ્રસ્ટી હોવાની ભીખુસિંહે કબૂલાત પણ કરી છે. જો કે ભીખુસિંહ પરમાર આડકતરી રીતે ભૂપેન્દ્ર ઝાલાનો બચાવ કર્યો. BZ ગ્રુપના મહાઠગનો સરકારના મંત્રી બચાવ કરી રહ્યા છે. ભૂપેન્દ્ર ઝાલા વિરુદ્ધ હજુ કોઈ પુરાવા ન મળ્યા હોવાની ભીખુસિંહ પરમારે વાત કરી છે. ભૂપેન્દ્ર ઝાલાના ટ્રસ્ટમાં અન્ય ધારાસભ્ય પણ ટ્રસ્ટી હોવાનું ભીખુસિંહ જણાવ્યું છે.

ઉત્તર ગુજરાતમાં કૌભાંડથી હાહાકાર
ઉત્તર ગુજરાત સહિત સમગ્ર ગુજરાતમાં હાલ એક કૌભાંડથી હાહાકાર મચી ગયો છે. ગુજરાત અને રાજસ્થાનના લોકો હાલ રાતા પાણીએ રોઈ રહ્યા છે. કારણ કે પોતાની મહેનતની જે કમાણીનું રોકાણ તેમને BZ નામના ગ્રુપમાં કર્યું હતું તે ગ્રુપનો માલિક ભૂપેન્દ્ર ઝાલા 6 હજાર કરોડનું ફેલેકું ફેરવીને ફરાર થઈ ગયો છે. BZ ગ્રુપની તમામ ઓફિસો પર સીઆઈડી ક્રાઈમના દરોડા પાડીને મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ કબજે કર્યા છે. પરંતુ ભૂપેન્દ્ર ઝાલા હજુ સુધી હાથ લાગ્યો નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news