ભાજપના 40 સ્ટાર પ્રચારકો ચૂંટણી પ્રચાર ગજવશે, પ્રચારકો માટે 5 હેલિકોપ્ટર ભાડે લેવાયા

Gujarat Elections 2022 : પીએમ મોદી અને અમિત શાહ સહિત ભાજપના 40 સ્ટાર પ્રચારકો સંભાળશે ગુજરાતમાં ચૂંટણી પ્રચારની જવાબદારી... સ્ટાર પ્રચારકોના પ્રવાસ માટે ભાજપે 5 હેલિકોપ્ટર લીધાં ભાડે... 
 

ભાજપના 40 સ્ટાર પ્રચારકો ચૂંટણી પ્રચાર ગજવશે, પ્રચારકો માટે 5 હેલિકોપ્ટર ભાડે લેવાયા

બ્રિજેશ દોશી/ગાંધીનગર :2022 ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી ભાજપ માટે કાંટે કી ટક્કર સમાન છે. બે મજબૂત વિરોધ પક્ષો આ વખતે મેદાનમાં છે. ભાજપની સીધી જંગ કોંગ્રેસ અને આપ સાથે છે. આવામા ભાજપ ગુજરાતનો ગઢ કબજે કરવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. આ વખતે ભાજપ ચૂંટણીના મેદાનમાં નેતાઓની ફોજ પ્રચાર માટે મેદાનમાં ઉતારશે. લગભગ 10 થી વધુ કેન્દ્રીય નેતાઓ ગુજરાતમાં ફાયરબ્રાન્ડ પ્રચાર કરશે. ભાજપે અંદાજે 40 જેટલા સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારવાનું નક્કી કર્યું છે.

કોણ કોણ આવશે 
તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ગુજરાતમાં 20થી વધુ સભાઓ કરશે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, નીતિન ગડકરી, અર્જુન મુંડા, સ્મૃતિ ઈરાની, ધર્મેન્દ્ર પ્રધાન, ભુપેન્દ્ર યાદવ પણ ગુજરાતમાં સભાઓ ગજવશે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણ, આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા તથા યુપીના સીએમ યોગી આદિત્યનાથ પણ ગુજરાત આવશે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ ગુજરાતમાં ભાજપ માટે કેમ્પેઇન કરશે. તો સ્ટાર પ્રચારકોમાં જોઈએ તો અભિનેત્રી હેમા માલિની, ભોજપુરી અભિનેતા રવિ કિશન, ભોજપુરી અભિનેતા લાલ યાદવ નિરહુઆ અને ભોજપુરી ગાયક મનોજ તિવારી જેવા સ્ટાર્સ પણ ગુજરાતની રણભૂમિમાં ભાજપના પ્રચાર માટે મેદાને ઉતરશે. આ ઉપરાંત અભિનેતા પરેશ રાવલ પણ સ્ટાર પ્રચારની યાદીમાં સામેલ છે. આમ, ભાજપે 40 થી વધુ સ્ટાર પ્રચારકોને ચૂંટણીના મેદાને ઉતારવાનું મન બનાવી લીધું છે. 

વિજય રૂપાણી, નીતિન પટેલ પણ પ્રચાર કરશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે નેતાઓની ફોજ મેદાનમાં ઉતારી છે. એક તરફ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં સભાઓ ગજવશે. તો બીજી તરફ ગુજરાતમાં 10થી વધુ કેન્દ્રીય નેતાઓ પ્રચાર કરશે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ભલે ચૂંટણી નહિ લડે, પરંતું ઉમેદવારો માટે ચૂંટણી પ્રચાર કરશે. 

ચૂંટણી પ્રચારકો માટે હેલિકોપ્ટરની વ્યવસ્થા 
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર કરવા માટે ભાજપ સજજ બન્યું છે, ત્યારે ચૂંટણીના સ્ટાર પ્રચારકો માટે ભાજપે વિશેષ હેલિકોપ્ટરની વ્યવસ્થા કરી છે. પ્રદેશ કાર્યાલય કમલમના પાછળના ભાગમાં વિશેષ હેલિપેડ પણ તૈયાર કરવામાં આવ્યું છે. ગુજરાત ભાજપે 5 વિશેષ હેલિકોપ્ટર મંગાવવામાં આવ્યા છે. આ વિશેષ હેલિકોપ્ટર દિલ્હી, બેંગ્લોર અને મુંબઈથી પ્રદેશ કાર્યાલય કમલમમાં લાવવામાં આવ્યા છે. સ્ટાર પ્રચારકો ઝડપથી એક સ્થળેથી બીજા સ્થળે પ્રચાર માટે જઈ શકે તે માટે હેલિકોપ્ટરની ભાજપે વ્યવસ્થા કરી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news