નવરાત્રિમાં અંબાજી મંદિર રહેશે ખુલ્લુ, પણ આ સમયમાં જ ભક્તો કરી શકશે દર્શન
રાજ્ય સરકારની સુચના અનુસાર ચાલુ વર્ષે અંબાજીમાં ગરબાનું આયોજન રદ્દ કરાયું છે, પરંતુ નવરાત્રિ દરમિયાન માતાજીના મંદિરમાં દર્શન રાબેતા મુજબ ચાલુ રહેશે
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :કોરોનાકાળમાં અનેક મંદિરો નવરાત્રિ (Navratri) માં બંધ રહેવાના છે. તો બીજી તરફ, સરકારે ગરબાના આયોજન પર મુકેલા પ્રતિબંધથી માતાજીના આરાધકોમાં નિરાશા જોવા મળી છે. પરંતુ આ વચ્ચે એક સારા સમાચાર એ છે કે, 51 શક્તિપીઠમાંથી એક એવા આદ્યશક્તિ મા અંબાનું મંદિર (ambaji) અને તેમનું મૂળ સ્થાન ગબ્બર પર્વત ધામ નવરાત્રિમાં ભાવિક ભક્તો માટે ખુલ્લું રહેશે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ગબ્બરની ફરતે સ્થાપિત કરાયેલી 51 શક્તિપીઠોની પ્રતિકૃતિને કારણે ભક્તોને અહીં એક જ સ્થળે તમામ શક્તિપીઠોના દર્શનનો દુર્લભ લ્હાવો સાંપડે છે.
આ પણ વાંચો : ગુજરાતમાંથી હજી નથી ગયું ચોમાસું, આ તારીખે ફરીથી આવશે વરસાદ
અંબાજી મંદિર અને ગબ્બર બંને ખુલ્લા રહેશે
રાજ્ય સરકારની સુચના અનુસાર ચાલુ વર્ષે અંબાજીમાં ગરબાનું આયોજન રદ્દ કરાયું છે, પરંતુ નવરાત્રિ દરમિયાન માતાજીના મંદિરમાં દર્શન રાબેતા મુજબ ચાલુ રહેશે. કોરોનાના પગલે અંબાજી દર્શન માટે પધારતા ભક્તોના આરોગ્યની સલામતી પર વિશેષ ભાર મુકતા અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા રાજ્ય સરકારની કોવિડ 19 અંગેની માર્ગદર્શિકા મુજબની તમામ સુવિધા અને વ્યવસ્થા મંદિર પરિસર અને મૂળ સ્થાન શક્તિપીઠ ગબ્બર પર્વતે કરવામા આવી છે. આ ઉપરાંત સ્થાનિક લોકો, ઓટો અને ટેક્સી ચાલકો, ધર્મશાળા અને હોટલો દ્વારા દર્શનાર્થીઓને કોરોનાથી બચાવવા માટેના સ્વાસ્થ્ય સંબંધી પગલાં લેવામાં આવી રહ્યા છે.
નવરાત્રિ દરમિયાન દર્શનનો સમય બદલાયો
- નવરાત્રિ દરમિયાન 17 ઓક્ટોબરથી યાત્રાળુઓ માટે દર્શન માટેનો સમય સવારે 8થી 11.30, બપોરે 12.30 થી 4.15 અને સાંજે 7થી રાત્રે 9 વાગ્યા સુધીનો રહેશે.
- દરેક શ્રદ્ધાળુએ મંદિરમાં ફરજિયાત પણે માસ્ક પહેરીને પ્રવેશ કરવાનો રહેશે.
- આ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સ સાથે સેનિટાઈઝ અને સ્ક્રિનિંગ થયા બાદ જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે.
- મંદિર પ્રશાસને 10 વર્ષથી ઓછી વયના બાળકો અને 65 વર્ષથી વધુની વય ધરાવતાં નાગરિકોને હાલના મહામારીના સમયમાં દર્શન માટે નહીં આવવા પણ અપીલ કરી છે.
આ પણ વાંચો : આજથી unlock-5 લાગુ, પણ ગુજરાતમાં આજે નહિ ખૂલે મલ્ટિપ્લેક્સ
1600 ફૂટની ઊંચાઈએ આવેલું માં અંબાનું મૂળ સ્થાન શક્તિપીઠ ગબ્બર પર્વત અંબાજી ધામ પણ ભાવિકભક્તો માટે ખુલી ગયું છે. માતાજીનું મૂળ પ્રાગટ્ય સ્થાન ગબ્બર પર્વત અંબાજીથી ત્રણ કિમીના અંતરે સ્થિત છે. માતાજીના ૫૧ શક્તિપીઠોમા પ્રમુખ શક્તિપીઠ મૂળ સ્થાન ગબ્બર પર્વત ઉપર મા અંબાજીના અખંડ જ્યોતના સંપૂર્ણ દર્શન માટે રોપવે (ઉડનખટોલા) યાત્રિકોની સેવામાં તકેદારી અને સભાનતાની સાથે કાર્યરત રહેશે.
અંબાજીના પવિત્ર ગબ્બરનું પૌરાણિક મહત્વ
અરવલ્લીની ગિરિમાળામા ગબ્બર પર્વત વર્ષો જુનો છે. દેવી સતીનું હૃદય આ સ્થાન પર પડેલ હોવાથી “હદયપીઠ” પણ કહેવામાં આવે છે. ગબ્બર પર્વત ઉપર હજારો વર્ષોથી માં ની અખંડ જ્યોત પ્રજ્વલિત છે. માં અંબાના પવિત્ર પ્રાગટ્ય સ્થાને માંના પગલા અને રથના નિશાન આજે પણ મોજુદ છે. માન્યતા છે કે ભગવાન શ્રી કૃષ્ણનો ચૌલકર્મ (બાબરી) વિધિ ગબ્બર પર્વત ઉપર થઇ હતી. ગબ્બર પર્વત સ્થિત પારસ પીપળીના વૃક્ષ પર મહિલાઓ અખંડ સૌભાગ્યની રક્ષા માટે દોરો અને બંગડી બાંધે છે. અતિ પ્રાચીન સમયમા રાવણને મારવા માટે માં અંબાએ પવિત્ર પ્રાગટ્ય સ્થાન ગબ્બર ઉપર રામને અજય બાણ આપ્યું હતું, જે બાણથી રાવણનો નાશ થયાની માન્યતા છે. આ પવિત્ર સ્થાન 51 શક્તિપીઠોમાં હૃદયસમાન છે. ગબ્બર ઉપર માં અંબાની અખંડ જ્યોત પ્રજ્વલિત હોય છે, જે હાલના અંબાજી મંદિરથી સીધી લીટીમા દેખાય છે.
ખેડબ્રહ્માના અંબિકા મંદિરમાં ગરબા નહિ થાય
તો બીજી તરફ, ખેડબ્રહ્મામાં અંબિકા માતાજી મંદિરના ચોકમાં નવરાત્રિમાં ગરબા નહિ યોજવાનુ નક્કી કરાયુ છે. મંદિરના ટ્રસ્ટીઓએ કોરોનાની મહામારીને લઈને ગરબા નહિ કરવા નિર્ણય લીધો છે. નવરાત્રિમાં મંદિરમાં માતાજીનું ઘટ સ્થાપન, પૂજન અને આરતી થશે. પરતુ માતાજીના દર્શન માટે મંદિર ખુલ્લું રહેશે. ભક્તો નવરત્રિમાં માતાજીના દર્શન કરી શકશે. ભક્તો ઘેર બેઠા પણ માતાજીના દર્શન સોશિયલ મીડિયા દ્વારા કરી શકશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે