Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી પૂરી થતા જ આ 4 ટીમોના બદલાઈ જશે કેપ્ટન? જાણો કોના કોના પર તોળાઈ રહ્યું છે જોખમ
ચેમ્પિયન્સ ટ્રોફીનો રોમાંચ દિવસેને દિવસે વધતો જાય છે. ગઈ કાલે અફઘાનિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે મેચ રમાઈ હતી જેમાં અફઘાનિસ્તાને મોટો ઉલટફેર કરતા ઈંગ્લેન્ડને હરાવીને ટુર્નામેન્ટની બહાર ફેંકી દીધી. હવે આ સાથે જ એ ચર્ચા પ્રબળ બની રહી છે કે ટુર્નામેન્ટ બાદ કેટલીક ટીમના કેપ્ટનો માટે પડકારજનક સ્થિતિ ઊભી થઈ શકે છે.
Trending Photos
ચેમ્પિયન્સ ટ્રોફીમાં આઠ ટીમો રમી રહી છે પરંતુ ઘણી ટીમોના કેપ્ટન માટે આ ટુર્નામેન્ટ બાદ કપરો સમય શરૂ થઈ શકે છે. કારણ કે આઠમાંથી ચાર ટીમોના કેપ્ટનો પર તવાઈ આવી શકે છે. તેમણે કેપ્ટન્સી ગુમાવવી પડે તથા કદાચ ટીમમાંથી બહાર થવાનો પણ વારો આવી શકે. જેમાં પાકિસ્તાન, ભારતના કેપ્ટનો પણ સામેલ છે. જાણો આખરે શું કારણ હોઈ શકે.
પાકિસ્તાનનો રિઝવાન
પાકિસ્તાની ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીથી બહાર થઈ ચૂકી છે. તેનું પ્રદર્શન ટ્રાઈ સિરીઝમાં પણ સારું નહતું કે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ કશું ઉકાળી શકી નહીં. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ન્યૂઝીલેન્ડ અને ભારત સામે સતત હાર બાદ પાકિસ્તાન ઘર આંગણે રમાઇ રહેલી ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી જ બહાર થઈ ગયું. પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર્સ ટીમમાં ધરખમ ફેરફારની માંગણી કરી રહ્યા છે. આવામાં એવું મનાઈ રહ્યું છે કે મોહમ્મદ રિઝવાને જ સૌથી પહેલા કેપ્ટન્સીથી હાથ ધોવા પડી શકે છે.
નજમુલ હુસૈન શાંતો
બાંગ્લાદેશની ટીમ પણ ચેમ્પિયન્સ ટ્રોફીથી બહાર થઈ ચૂકી છે. બાંગ્લાદેશની ટીમની કમાન નજમુલ હુસૈન શાંતો સંભાળે છે. તેની કેપ્ટન્સીમાં બાંગ્લાદેશ પહેલા ભારત અને પછી ન્યૂઝીલેન્ડ સામે હાર્યું. ટીમના ખરાબ પ્રદર્શન બાદ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ નજમુલ હુસૈન શાંતોની કેપ્ટન્સી પણ છીનવી શકે છે.
જોસ બટલર
જોસ બટલરની કેપ્ટન્સી હેઠળ ઈંગ્લેન્ડે હાલમાં જ ભારત વિરુદ્દ પાંચ મેચોની ટી-20 સિરીઝ 1-4થી ગુમાવી હતી. ત્યારબાદ ભારતે ઈંગ્લેન્ડને 3 મેચોની વનડે સિરીઝમાં પણ 3-0થી સૂપડાં સાફ કર્યા હતા. ઈંગ્લેન્ડ ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાની પહેલી મેચમાં 351 રન કરવા છતાં પણ ઓસ્ટ્રેલિયા સામે હાર્યું. જોસ બટલરની કેપ્ટન્સીમાં ઈંગ્લિશ ટીમનું સતત ખરાબ પ્રદર્શન ચાલુ જ છે. આવામાં આ આઈસીસી ટુર્નામેન્ટ બાદ બટલર ઉપર પણ કડક પગલું લેવામાં આવી શકે છે.
રોહિત શર્મા
રોહિત શર્માની કેપ્ટન્સી હેઠળ ટીમ ઈન્ડિયાનું શાનદાર પ્રદર્શન ચાલુ જ છે. ભારતે પહેલા બાંગ્લાદેશ અને પછી પાકિસ્તાનને ધૂળ ચટાડ્યા બાદ સેમીફાઈનલમાં જગ્યા બનાવી. ટીમ ઈન્ડિયાને આ ટુર્નામેન્ટમાં જીતવા માટે પણ પ્રબળ દાવેદાર ગણવામાં આવી રહી છે. હવે આગળ શું થશે એ તો સમય જ જણાવશે પરંતુ મીડિયા રિપોર્ટ મુજબ રોહિત શર્માની કરિયરને લઈને ચેમ્પિયન્સ ટ્રોફી બાદ મોટો નિર્ણય લેવાઈ શકે છે. કારણ કે બીસીસીઆઈ 2027ના વર્લ્ડ કપની ટીમને અત્યારથી તૈયાર કરવાના પ્લાનિંગમાં છે.
રોહિત શર્મા 37 વર્ષના છે અને તેઓ એપ્રિલમાં 38 વર્ષના થશે. અનેક પૂર્વ ખેલાડીઓનું માનવું છે કે ચેમ્પિયન્સ ટ્રોફી રોહિત શર્માની છેલ્લી ટુર્નામેન્ટ હોઈ શકે છે. રોહિતની કેપ્ટન્સી સાથે જ બેટિંગ ઉપર પણ ધ્યાન અપાશે. તેણે બાંગ્લાદેશ વિરુદ્ધ 41 જ્યારે પાકિસ્તાન વિરુદ્ધ 20 રન કર્યા હતા. પરંતુ હજુ ટીમ ઈન્ડિયા પાસે આગળ વધુ મેચ છે એટલે જોવાનું રહેશે કે રોહિત આ દરમિયાન બેટથી શું કમાલ કરે છે. રોહિત અંગે હાલ મામલો 50-50 છે. પરંતુ આગળનું પ્રદર્શન તેમાં મહત્વનું સાબિત થઈ શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે