બાંગ્લાદેશ સામે ન્યૂઝીલેન્ડની જીત સાથે પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર, આ બે ટીમ વચ્ચે રમાશે સેમિફાઈનલ
BAN vs NZ: ન્યુઝીલેન્ડે બાંગ્લાદેશને હરાવ્યું છે. બાંગ્લાદેશની હારથી પાકિસ્તાનને સૌથી મોટો ઝટકો લાગ્યો છે. પાકિસ્તાનની ટીમ હવે 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગઈ છે.
Trending Photos
Pakistan Out From 2025 Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની હોસ્ટ પાકિસ્તાન હવે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું છે. બાંગ્લાદેશ સામે ન્યૂઝીલેન્ડની જીતે યજમાન પાકિસ્તાનને ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર કરી દીધું છે. પાકિસ્તાનને ટૂર્નામેન્ટની તેની પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી બીજી મેચમાં પણ ભારતે તેને હરાવી હતી. આ પછી પાકિસ્તાનની ટીમની આશા બાંગ્લાદેશ પર હતી, પરંતુ બાંગ્લાદેશની ટીમ આજે ન્યુઝીલેન્ડ સામે હારી ગઈ હતી. આ સાથે પાકિસ્તાન અને બાંગ્લાદેશ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. રાવલપિંડીમાં ન્યુઝીલેન્ડે બાંગ્લાદેશને 5 વિકેટે હરાવ્યું હતું.
રચિન રવિન્દ્રએ ફટકારી સદી
ન્યૂઝીલેન્ડની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બાંગ્લાદેશે આ મેચમાં પ્રથમ બેટિંગ કરીને 50 ઓવરમાં 9 વિકેટે 236 રન બનાવ્યા હતા. તેના જવાબમાં ન્યૂઝીલેન્ડે રચિન રવિન્દ્રની 112 રનની જોરદાર સદીની મદદથી 46.1 ઓવરમાં લક્ષ્યનો પીછો કરી લીધો હતો. રચિન ઉપરાંત ટોમ લાથમે પણ અડધી સદી ફટકારી હતી. તેણે 55 રનની ઇનિંગ રમી હતી. ICC ODI ટૂર્નામેન્ટની માત્ર 11 ઇનિંગ્સમાં રચિન રવિન્દ્રની આ ચોથી સદી હતી.
નોંધનીય છે કે, ભારત સામેની હાર બાદ એ નક્કી થઈ ગયું હતું કે પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ જશે. હવે માત્ર સત્તાવાર રીતે પુષ્ટિ કરવામાં આવી છે કે યજમાન ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગઈ છે. ચેમ્પિયન્સ ટ્રોફીનું મોડલ એવી રીતે તૈયાર કરવામાં આવ્યું છે કે દરેક મેચ લગભગ નોકઆઉટ જેવી હોય.
સેમિફાઇનલમાં ભારત અને ન્યુઝીલેન્ડ
હવે ભારત અને ન્યુઝીલેન્ડ સેમિફાઇનલમાં પ્રવેશી ગયા છે. બાંગ્લાદેશની હાર સાથે ગ્રુપ Aની બે ટીમો નક્કી થઈ ગઈ છે. હવે ગ્રુપ-Bમાંથી બે ટીમો આવશે અને ત્યારબાદ 4 માર્ચથી સેમિફાઇનલ મેચો રમાશે. ભલે ભારત અને ન્યુઝીલેન્ડે સેમીફાઈનલમાં પોતપોતાની જગ્યાઓ નિશ્ચિત કરી લીધી હોય, પરંતુ બન્ને પ્રથમ સ્થાન માટે 2 માર્ચે દુબઈમાં એકબીજાનો સામનો કરશે. ગ્રુપ-Bમાં હજુ ઘણી ઉત્તેજના બાકી છે. ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાએ પોતાની પ્રથમ મેચ જીતી છે. જો કે, હજુ સુધી કોઈએ સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે