BJP President: ભાજપ અધ્યક્ષ પદની રેસમાં દક્ષિણના ત્રણ દિગ્ગજ નેતાઓ, જાણો કોને લાગશે ચાન્સ

BJP President Race:2024ની લોકસભા ચૂંટણી પછી ભાજપ હવે દક્ષિણ ભારતમાં પોતાની પકડ મજબૂત કરવા પર નજર રાખી રહ્યો છે. પક્ષનું નેતૃત્વ એવા કોઈપણ નેતાને પ્રમુખ પદ સોંપી શકે છે જે આ પડકારનો અસરકારક રીતે સામનો કરી શકે. એટલે દક્ષિણના નેતાઓ રેસમાં આગળ વધી ગયા છે. 

BJP President: ભાજપ અધ્યક્ષ પદની રેસમાં દક્ષિણના ત્રણ દિગ્ગજ નેતાઓ, જાણો કોને લાગશે ચાન્સ

South Mission Of BJP: વર્તમાન રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનો કાર્યકાળ સમાપ્ત થવાનો છે. હવે આગામી ભાજપ પ્રમુખ કોણ હશે તે અંગે ચર્ચા ચાલી રહી છે. આ રેસમાં દક્ષિણ ભારતના ત્રણ અગ્રણી નેતાઓના નામ સૌથી આગળ હોવાનું કહેવાય છે. આ નિર્ણય પાર્ટી માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે કારણ કે 2024ની લોકસભા ચૂંટણી પછી, ભાજપ હવે દક્ષિણ ભારતમાં પોતાની પકડ મજબૂત કરવા પર નજર રાખી રહ્યું છે. ભાજપ આ નિર્ણયથી લોકોને કેવી રીતે આશ્ચર્યચકિત કરી શકે છે તે જોવાનું બાકી છે. અહીં અમે તમને જણાવી રહ્યાં છે કે કયા નેતાઓ રેસમાં આગળ છે.

જી કિશન રેડ્ડી

વાસ્તવમાં ભાજપ પ્રમુખ પદની રેસમાં ત્રણ નામો સૌથી આગળ છે. પહેલું નામ જી કિશન રેડ્ડીનું છે. હાલમાં કેન્દ્રીય કોલસા મંત્રી રેડ્ડી તેલંગાણાના પ્રભાવશાળી નેતા માનવામાં આવે છે. તેઓ ભૂતકાળમાં તેલંગાણા ભાજપના પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને સંગઠનના કાર્યમાં સક્રિય રહ્યા છે. રેડ્ડી ઓબીસી સમુદાયમાંથી આવે છે અને સંગઠન પર તેમની મજબૂત પકડ તેમને આ રેસમાં એક મજબૂત ઉમેદવાર બનાવે છે. તેલંગાણામાં તાજેતરની ચૂંટણીઓમાં ભાજપે પોતાની હાજરી દર્શાવી, જેમાં રેડ્ડીએ વ્યૂહાત્મક ભૂમિકા ભજવી હતી.

બંડી સંજય કુમાર

ભાજપના પ્રમુખ પદ માટે બીજું મોટું નામ બંડી સંજય કુમારનું છે જે હાલમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી છે. બંદી સંજય તેલંગાણાના કરમનગરથી સાંસદ છે અને રાજ્યમાં હિન્દુત્વ રાજકારણને મજબૂત બનાવવા માટે જાણીતા છે. પ્રદેશ પ્રમુખ તરીકે તેમણે ઘણી આક્રમક આંદોલનો ચલાવી તેલંગાણામાં ભાજપને એક નવી ઓળખ અપાવી છે. તેમની પાયાના સ્તરે સંગઠનાત્મક કુશળતા અને કાર્યકરોમાં લોકપ્રિયતાએ તેમને રેસમાં આગળ રાખ્યા છે.

પ્રહલાદ જોશી

ત્રીજા મુખ્ય દાવેદાર પ્રહલાદ જોશી છે, જે હાલમાં કેન્દ્રીય ગ્રાહક બાબતોના મંત્રી છે. કર્ણાટકના વતની જોશી બ્રાહ્મણ સમુદાયના છે અને તેમને પાર્ટીમાં એક વરિષ્ઠ નેતા માનવામાં આવે છે. કર્ણાટકમાં ભાજપ સત્તામાંથી બહાર થયા બાદ પાર્ટી હવે રાજ્યમાં સત્તામાં પાછા ફરવાની રણનીતિ બનાવી રહી છે. જોશીનો અનુભવ અને સરકાર સાથેનો તેમનો સારો સંકલન તેમને એક મજબૂત ઉમેદવાર બનાવે છે.

ફક્ત દક્ષિણના ઉમેદવાર જ કેમ?

ભાજપે ઉત્તર અને પશ્ચિમ ભારતમાં પોતાની સ્થિતિ મજબૂત કરી છે પરંતુ દક્ષિણ ભારત હજુ પણ એક પડકાર છે. પાર્ટીને કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને કેરળમાં વધુ વિસ્તરણની જરૂર છે. દક્ષિણ ભારતીય રાજ્યોમાં ભાજપનો મત હિસ્સો હજુ પણ કોંગ્રેસ અને પ્રાદેશિક પક્ષો કરતા પાછળ છે. આવી સ્થિતિમાં, પાર્ટી નેતૃત્વ દક્ષિણ ભારતીય નેતાને કમાન સોંપીને આ પ્રદેશમાં પોતાની પકડ મજબૂત કરવા માંગે છે. આનાથી સ્થાનિક મતદારોમાં સકારાત્મક સંદેશ જશે અને પક્ષના વિસ્તરણની શક્યતાઓ વધશે.

નવા નેતૃત્વ માટે પણ પડકારો છે

ભાજપના નવા અધ્યક્ષ સામે માત્ર દક્ષિણ ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં સંગઠનને મજબૂત બનાવવાનો પડકાર રહેશે. પાર્ટીએ ઉત્તર-પૂર્વ રાજ્યોમાં પોતાની પકડ મજબૂત કરવી પડશે જ્યાં તેને હજુ પણ ઘણા સમુદાયોમાં સ્વીકૃતિ બનાવવાની જરૂર છે. આ ઉપરાંત, યુવા નેતૃત્વને આગળ લાવવું અને પાર્ટીની ડિજિટલ રણનીતિને વધુ અસરકારક બનાવવી પણ મહત્વપૂર્ણ કાર્યો હશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની જોડી પછી પાર્ટીની આગામી રણનીતિ અને નેતૃત્વની દિશા આ ચૂંટણી દ્વારા નક્કી કરવામાં આવશે. ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષનો કાર્યકાળ પૂર્ણ થઈ ગયો છે. સીઆર પાટીલ મંત્રી બની ગયા બાદ હવે તેઓ દિલ્હી અને ગુજરાત વચ્ચે સંકલન સાધી રહ્યાં છે. ગુજરાતમાં પણ ટૂંક સમયમાં પ્રદેશ અધ્યક્ષ તરીકે નવા નામની જાહેરાત થઈ શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news