જો હાઈવે ખરાબ હોય તો ટોલ ટેક્સ કેવી રીતે લેવાય? હાઈકોર્ટે 80% ટેક્સ ઘટાડી દીધો, જાણવા જેવો છે મામલો
કોર્ટનો આ ચુકાદો દેશભરમાં એક મિસાલ બની શકે તેમ છે. કોર્ટનું કહેવું છે કે ટોલ ટેક્સ શાં માટે ચૂકવવામાં આવે છે? જો રસ્તા ખરાબ હોય તો ટોલ ટેક્સ કેવો?
Trending Photos
જો રસ્તા ખરાબ હોય તો પછી તેના પર ટોલ ટેક્સ વસૂલવો એ મુસાફરી કરનારા લોકો સાથે અન્યાય છે. જમ્મુ કાશ્મીર અને લદાખ હાઈકોર્ટે એક મહત્વના ચુકાદામાં આ વાત કરી છે. જેની અસર હવે સમગ્ર ભારતમાં પણ જોવા મળી શકે છે. કોર્ટે એક અરજી પર સુનાવણી કરતા નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાને આદેશ આપ્યો છે કે તેઓ ટોલ ટેક્સમાં 80 ટકા જેટલો ઘટાડો કરે કારણ કે રસ્તો જર્જરિત છે. કોર્ટે આ ચુકાદો નેશનલ હાઈવે 44 અંગે આપ્યો. કોર્ટે કહ્યું કરે જો રસ્તા પર નિર્માણ પર ચાલુ હોય અને તેની સ્થિતિ સારી નથી તો પછી તેના માટે ટોલ ટેક્સનું કલેક્શન હોવું જોઈએ નહીં. બેન્ચે કહ્યું કે ટોલ સારા રસ્તાઓ માટે લેવાય છે. રસ્તો બરાબર ન હોય તો ટોલ કેમ વસૂલવામાં આવે.
ચીફ જસ્ટિસ તાશી રબસ્તાન અને જસ્ટિસ એમએ ચૌધરીની બેન્ચે હાઈવેના પઠાણકોટ-ઉધમપુર સ્ટ્રેચ અંગે કહ્યું કે એનએચઆઈએ અહીં 20 ટકા જ ટોલ ટેક્સ લેવો જોઈએ. બેન્ચે કહ્યું કે NHAI તત્કાળ પ્રભાવથી આ ભાગમાં પડનારા લખનપુર અને બાન પ્લાઝાથી ટોલની વસૂલીમાં 80 ટકા સુધીનો કાપ મૂકે. આ આદેશ તત્કાળ લાગૂ થવાનો છે અને રસ્તાની યોગ્ય મરમ્મતનું કામ પૂરું થયા પહેલા ફી ફરીથી વધારાશે નહીં. એટલું જ નહીં કોર્ટે એમ પણ કહ્યું કે આ હાઈવે પર 60 કિલોમીટરના દાયરા પહેલા કોઈ બીજો ટોલ પ્લાઝા બનવો જોઈએ નહીં. જો આવો કોઈ ટોલ પ્લાઝા બન્યો છે તો તને મહિનાની અંદર બંધ કરવામાં આવે કે પછી તેને સ્થળાંતર કરવામાં આવે.
કોર્ટે કહ્યું કે જમ્મુ કાશ્મીર કે પછી લદાખમાં ફક્ત એટલા માટે ટોલ પ્લાઝા ન લગાવવો જોઈએ કે જનતા પાસેથી પૈસા કમાવવાના છે. અત્રે જણાવવાનું કે કોર્ટે આ ચુકાદો જનહિત અરજી પર આપ્યો. જેને સુગંધા સાહની નામની મહિલાએ દાખલ કરી હતી. આ અરજીમાં તેમણે લખનપુર, ઠંડી ખુઈ અને બાન પ્લાઝા દ્વારા ટોલ વસૂલવા પર આપત્તિ જતાવી હતી. તેમનું કહેવું હતું કે આ વિસ્તારમાં રસ્તાની સ્થિતિ ખુબ જ ખરાબ છે. તો પછી મુસાફરોએ અહીંથી પસાર થતી વખતે આટલો ભારે ભરખમ ટોલ ટેક્સ કેમ ભરવો પડે છે. તેમણે કહ્યું કે ડિસેમ્બર 2021થી જ હાઈવેના 60 ટકા ભાગ પર કામ ચાલુ છે. તો પછી ટોલ પૂરેપૂરો વસૂલવાનો કોઈ અર્થ નથી. તેમણે માંગણી કરી કે કામ પૂરું થયાના 45 દિવસ પછીથી ટોલની વસૂલી શરૂ થવી જોઈએ. જેના પર સુનાવણી કરતા કોર્ટે કડક ટિપ્પણી કરી અને ટોલમાં પણ 80 ટકા કાપનો આદેશ કર્યો.
બેન્ચે કહ્યું કે જો હાઈવે પર લોકોને ચલાવવામાં જ મુશ્કેલી પડી રહી હોય તો પછી ત્યાં ટોલ વસૂલવાનો કોઈ મતલબ જ નથી. જસ્ટિસે કહ્યું કે ટોલની દલીલ એ છે કે જો જનતાને સારો રસ્તો મળે છે તો તેના ખર્ચનો એક ભાગ વસૂલવા માટે ટોલ લેવામાં આવે. પરંતુ જો રસ્તો એવો છે જ નહીં તો પછી ટોલ ટેક્સ ભરવાનો અર્થ શું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે