ગુજરાતમાં જીરાની ખેતી કરનારા ખેડૂતો પર મહાસંકટ આવ્યું! મહામહેનતે વાવેતર કરેલા જીરાનો ભાવ કોડીનો થઈ ગયો
Cumin Seed Price : ગુજરાતમાં જીરાની ખેતી કરતા ખેડૂતો રાતા પાણીએ રોયા,,, વર્ષ 2023માં 12 હજાર રૂપિયામાં વેચાતા જીરાનો ભાવ 3 હજારે પહોંચ્યો,,, ખેડૂતોને ખેતીનો ખર્ચ કાઢવાનાં પણ ફાંફાં
Trending Photos
Gujarat Farmers : હાલ ગુજરાતમાં જીરાની ખેતી કરનારા ખેડૂતો રાતા પાણીએ રોઈ રહ્યાં છે. તેમની જીરાની ખેતી કર્યા બાદ મોટી નુકસાની વ્હોરી લેવુ પડ્યું છે. ગુજરાતના કેટલાક જિલ્લાના ખેડૂતોએ જીરાની સારી આવક મળશે એ હેતુથી જીરાની ખેતી કરી હતી. પરંતું હવે માર્કેટમાં જ્યારે વેચવાનો સમય આવ્યો ત્યારે જીરાનો ભાવ કોડીનો થઈ ગયો. ત્યારે ખેડૂતોને મોટી નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ગત વર્ષે જે જીરું 12 હજાર રૂપિયાના ભાવે વેચાયું હતું, તેનો ભાવ ઘટીને સીધો 3 હજાર થઈ ગયો છે.
સુરેન્દ્રનગરના ખેડૂતોની મુશ્કેલી
સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોએ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરી જીરાનું ઉત્પાદન કર્યું હતું. ઉત્પાદન સારું આવ્યું ત્યારે હવે ભાવ ન મળતા હોવાની ખેડૂતોનું ટેન્શન વધ્યું છે. હાલ સુરેન્દ્રનગર બજારમાં જીરાના ભાવ માત્ર 3 હજાર સુધી મળી રહ્યા છે. ખેડૂતોએ સુકારો અને વાતાવરણમાં પલટાના પગલે દવાઓનો છંટકાવ કરી જીરાનું ઉત્પાદન કર્યું હતું. 4000 સુધીનો જીરા ઉત્પાદન પાછળ પ્રતિ વીઘે ખર્ચ કર્યો હતો. પણ હાલ પૂરતા ભાવ ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. સરકાર વેપારી સંકલન કરી જીરાના પ્રતિ મણના 6,000 સુધી ભાવ અપાવે તેવી માંગ કરવામાં આવી છે.
બોટાદના ખેડૂતોની પણ આ જ મુશ્કેલી
બોટાદ માર્કેટીંગ યાર્ડમાં જીરાની નવી આવક શરૂ થઈ છે. પરંતુ જીરાના ગત વર્ષ કરતાં ઓછા ભાવ હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. જેથી સરકાર જીરાની નિકાસ કરે તેવી ખેડુતો માંગ કરી રહ્યા છે. ગત વર્ષે સરકાર દ્વારા જીરાની નિકાસ કરવામાં આવી હતી. તેમજ જીરાનું ઉત્પાદન ઓછું હતું. જેથી ૮ હજારથી વધુ ભાવ હતો. જ્યારે ચાલુ વર્ષે જીરાનું ઉત્પાદન વધારે છે અને ૩ હજાર થી ૩૫૦૦ નો ઓછો ભાવ છે. જો સરકાર જીરૂ ની નિકાસ આપે તો ભાવ વધે અને ખેડૂતોને ફાયદો થાય તેમ માર્કેટીંગ યાર્ડના ચેરમેન જણાવ્યું હતું.
આ વર્ષે જીરાનું પુષ્કળ ઉત્પાદન થયું
બોટાદ જિલ્લામા સારો વરસાદ અને નર્મદા કેનાલ દ્વારા પાણી શરૂ રહેતા ખેડુતોએ ચાલું વર્ષે રવિ પાકનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કર્યું છે. ઘઉ, ચણા અને જીરાનું વધારે પ્રમાણમાં વાવેતર થયું છે. ચાલુ વર્ષે ૭૬૧૭ હેક્ટર જમીનમાં જીરું નું વાવેતર થયું છે. તો ગયા વર્ષે ૬૯૪૩ હેક્ટર જમીનમાં જીરાનું વાવેતર થયું હતું. જેથી ગયા વર્ષ કરતાં ચાલું વર્ષે ૭૩૪ હેક્ટર જમીનમાં જીરાના વાવેતરમાં વધારો થયો છે. જેથી માર્કેટીંગ યાર્ડમાં જીરાની સારી આવક શરૂ થઈ છે. પરંતુ ગત વર્ષ કરતાં ચાલું વર્ષે જીરાના ભાવ તળીયે બેસી ગયા છે. જેથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
જીરાની નિકાસ કરવાની ખેડૂતોની માંગ
બોટાદ જિલ્લામા ગત વર્ષે જીરાના ૮ હજાર કરતા વધારે ભાવ હતો, ત્યારે ચાલું વર્ષે જીરાનો ૩ હજારથી ૩૫૦૦નો ભાવ મળી રહ્યો છે. આ ભાવથી ખેડુતોને બહુજ નુકસાન થઈ રહ્યું છે અને ઓછા ભાવના કારણે જીરાની ખેતીમાં કરેલ ખર્ચ ખેડૂતને માથે પડી રહ્યો છે. જેથી જીરાના ઓછા ભાવના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે સરકાર દ્વારા જીરુની નિકાસ કરવામાં આવે તો ભાવ વધે તેમ ખેડુતો જણાવી રહ્યા છે.
આ વર્ષે વાવેતર વધ્યું, તો ભાવ ઘટી ગયા
બોટાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન મનહરભાઈ માતરીયાએ જણાવ્યું હતું કે ગત વર્ષે જીરાનું વાવેતર ઓછું હતું. તેમજ સરકારે જીરાની નિકાસ કરી હતી. જેના કારણે ૫ હજારથી વધારે જીરાનો ભાવ હતો. જ્યારે ચાલું વર્ષે જીરાનું સારા પ્રમાણમાં વાવેતર થયું છે. જેથી ઉત્પાદનમાં વધારો થયો છે. માર્કેટીંગ યાર્ડમાં હાલ ૩ હજાર મણ કરતા વધારે જીરાની આવક થઈ રહી છે. જો સરકાર દ્વારા જીરાની નિકાસ કરવામાં આવે તો ખેડૂતોને પુરતા ભાવ મળી રહે.
બોટાદ જિલ્લામા ગયા વર્ષે ખેડુતોએ જીરું નું ઓછું વાવેતર કરેલ પરંતુ જીરું ના ભાવ સારા મળેલ જેથી ચાલું વર્ષે જિલ્લાના મોટાભાગના ખેડૂતોએ જીરું નું વાવેતર કર્યું છે અનેઉત્પાદનમાં પણ સારો વધારો થયો છે પરંતુ ચાલું વર્ષે જીરું ના ભાવ તળીયે બેસી ગયા છે અને ફક્ત ત્રણ હજારથી પાંત્રીસો સુધીનો ભાવ મળતા ખેડૂતો હેરાન-પરેશાન થઈ રહ્યા છે જો સરકાર જીરું ની નિકાસ શરૂ કરે તો ભાવ વધે ત્યારે નિકાસ શરૂ કરવા ખેડૂતો માંગ કરી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે